Gujarat News/ વડોદરામાં યોજાશે VGRC 2026

VGRCમાં પર્યટન અને સંસ્કૃતિને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી પ્રદેશના આર્થિક વિકાસને વધુ ગતિ મળી શકે.

Gujarat Vadodara
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાને આગળ વધારતાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની આગામી આવૃત્તિ જૂન 2026ના અંતિમ સપ્તાહમાં વડોદરા ખાતે યોજાશે

Gujarat News :  વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાને આગળ વધારતાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની આગામી આવૃત્તિ જૂન 2026ના અંતિમ સપ્તાહમાં વડોદરા ખાતે યોજાશે, જેમાં મધ્ય ગુજરાત પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રદેશમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને મહિસાગર સહિત કુલ 10 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જે ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનના 28 ટકા જેટલું યોગદાન આપે છે.

મધ્ય ગુજરાત આજે ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રોનિક્સ સહિતના ક્ષેત્રોમાં મજબૂત હાજરી ધરાવે છે. ઉદ્યોગોના વાર્ષિક સર્વેક્ષણ 2022-23 મુજબ, રાજ્યના અન્ય પરિવહન સાધનોના ઉત્પાદનમાં આ પ્રદેશનો 93 ટકા ફાળો રહ્યો છે, જ્યારે ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રમાં 92 ટકા હિસ્સો નોંધાયો છે. પીણાં, ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદનમાં પણ મધ્ય ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે.

ગુજરાતના કુલ વિસ્તારનો લગભગ 62% હિસ્સો દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (DMIC)ના કાર્યક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવ્યો છે, જે રાજ્યને રોકાણકારો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. મધ્ય ગુજરાતમાં આ કોરિડોરના વિકાસને ગતિ આપતા બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ વિવિધ તબક્કામાં આગળ વધી રહ્યા છે — 5,560 એકર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) અને 2,849 એકર મંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR).

મધ્ય ગુજરાત પ્રદેશનો દરેક જિલ્લો પોતાની આગવી ઓળખ અને ઔદ્યોગિક શક્તિ ધરાવે છે. વડોદરાના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રનો હિસ્સો જિલ્લાના કુલ ઉત્પાદનમાં 61% રહ્યો છે. અમદાવાદ ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ (18%), ટેક્સટાઇલ (15%), બેઝિક મેટલ્સ (13%) અને ફાર્માસ્યુટિકલ્સ (9%)માં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગાંધીનગરનું મેન્યુફેક્ચરિંગ ફૂડ પ્રોસેસિંગ (18%), બેઝિક મેટલ્સ (17%) અને કેમિકલ્સ (14%) ઉદ્યોગ પર આધારિત છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં સ્થિત GIFT સિટી અને શૈક્ષણિક સંસ્થાઓના કારણે પ્રદેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને ફિનટેક ક્ષેત્રનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે.

આણંદનું મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મુખ્યત્વે એગ્રો અને ડેરી પ્રોસેસિંગ (50%) તથા કેમિકલ્સ (12%) ઉદ્યોગ પર આધારિત છે. પંચમહાલ ઓટો કમ્પોનન્ટ્સ (23%), રબર અને પ્લાસ્ટિક (19%) અને ફાર્માસ્યુટિકલ્સ (15%) ક્ષેત્રે નવી તકોનું સર્જન કરી રહ્યું છે. ખેડાના ઔદ્યોગિક ઉત્પાદનમાં રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો (23%) તેમજ ફૂડ પ્રોસેસિંગ (22%) ક્ષેત્રનું મુખ્ય યોગદાન છે. નર્મદાના ઉત્પાદનમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ 92% છે, જ્યારે છોટાઉદેપુરમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો હિસ્સો 56% અને દાહોદમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો હિસ્સો 48% છે.

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મધ્ય ગુજરાતનું કુલ નિકાસ મૂલ્ય 20.54 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું, જેના કારણે પ્રદેશનો વેપાર વ્યાપ વિશ્વના 219થી વધુ દેશો સુધી વિસ્તર્યો છે. નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર 3.67 અબજ ડોલર (17.8%) સાથે પ્રથમ સ્થાને રહ્યું, ત્યારબાદ ન્યુક્લિયર રિએક્ટર્સ, બોઇલર્સ અને મશીનરી 2.79 અબજ ડોલર (13.6%), ઇલેક્ટ્રિકલ મશીનરી અને ઇક્વિપમેન્ટ 1.79 અબજ ડોલર (8.7%), રોડ વ્હીકલ્સ અને તેના પાર્ટ્સ 1.47 અબજ ડોલર (7%), ઓર્ગેનિક કેમિકલ્સ 1.45 અબજ ડોલર (7%) તેમજ ડાઇંગ, ટેનિંગ અને કલરિંગ મટીરિયલ્સ 1.03 અબજ ડોલર (5%) સાથે મુખ્ય નિકાસ ક્ષેત્રો રહ્યા હતા. મધ્ય ગુજરાતની નિકાસ માટે યુએસએ 23.8% (4.88 અબજ ડોલર) હિસ્સા સાથે સૌથી મોટું બજાર બન્યું, ત્યારબાદ UAE (7.3%), થાઇલેન્ડ (3%), યુકે (2.8%) અને સાઉદી અરેબિયા (2.7%)નો સમાવેશ થાય છે.

આગામી VGRC (મધ્ય ગુજરાત)માં સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ, IT અને ITeS, બાયોટેક, ફાર્માસ્યુટિકલ્સ, એરોસ્પેસ અને સંરક્ષણ, ફિનટેક, ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, કાપડ અને વસ્ત્રો, ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSMEs અને પ્રવાસન અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રવાસન ક્ષમતાનો વિકાસ

VGRCમાં પર્યટન અને સંસ્કૃતિને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી પ્રદેશના આર્થિક વિકાસને વધુ ગતિ મળી શકે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળો અને હેરિટેજ ટુરિઝમના પ્રોત્સાહન દ્વારા મધ્ય ગુજરાત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા તરફ આગળ વધી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં આધ્યાત્મિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય ધરોહરોનું વિશાળ વૈવિધ્ય જોવા મળે છે. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ, વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર અને પંચમહાલની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવાગઢ આજે વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે.

આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નળસરોવર પક્ષી અભયારણ્ય અને પાવાગઢ હિલ કોરિડોર જેવા સ્થળો પ્રદેશને ઇકો-ટુરિઝમ અને અનુભવ આધારિત પ્રવાસન માટે પણ મહત્વપૂર્ણ બનાવે છે. આ ઉપરાંત, ગાંધીનગરના મહાત્મા મંદિર જેવી આધુનિક સુવિધાઓના કારણે પ્રદેશ MICE (મીટિંગ્સ, ઇન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશન) ટુરિઝમ માટે પણ મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે.

VGRC: એક સફળ મોડેલ

VGRCની અગાઉની ત્રણ આવૃત્તિઓને નોંધપાત્ર સફળતા મળી છે. આ કોન્ફરન્સ દ્વારા ઉદ્યોગકારો, રોકાણકારો, નીતિનિર્માતાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને એક જ મંચ પર લાવી પ્રદેશ આધારિત વિકાસ અને ક્ષેત્રવિશેષ ચર્ચાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જે વિકસિત ભારત@2047ના વિઝન સાથે સુસંગત છે.

ઓક્ટોબર 2025માં મહેસાણા ખાતે યોજાયેલી VGRC ઉત્તર ગુજરાતમાં 1,264 MoUs થયા હતા, જેમાં રૂ. 3.25 લાખ કરોડના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં 29 હજારથી વધુ નોંધણીઓ અને 80થી વધુ દેશોના 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

ત્યારબાદ જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે યોજાયેલી કચ્છ અને સૌરાષ્ટ્ર આવૃત્તિમાં 5,492 MoUs સાથે રૂ. 5.78 લાખ કરોડના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ આવૃત્તિમાં આશરે 29 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 57 દેશોના લગભગ 400 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ જોડાયા હતા.

મે 2026માં સુરત ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાત આવૃત્તિમાં 2,792 MoUs થયા હતા, જેમાં રૂ. 3.53 લાખ કરોડના રોકાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 20 હજારથી વધુ લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું અને 27 દેશોના 150થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ જોડાયા હતા.

હવે વડોદરામાં યોજાનારી VGRC મધ્ય ગુજરાતથી પણ પ્રદેશને નવી આર્થિક ગતિ અને વૈશ્વિક ઓળખ મળવાની અપેક્ષા છે. મધ્ય ગુજરાત આજે પરંપરા, પ્રગતિ અને વૈશ્વિક તકોના સમન્વય સાથે રાજ્યના વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. VGRC આ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા રાજ્યના “વિકસિત ગુજરાત”ના સ્વપ્નને નવી દિશા આપશે.


આ પણ વાંચો  ; ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત…

આ પણ વાંચો  ; વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : પ્રાદેશિક વિકાસને નવી દિશા આપવાનો મુખ્યમંત્રીનો નવતર અભિગમ

આ પણ વાંચો  ; કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-VGRCમાં ગુજરાતનું સિરામિક હબ મોરબી ઝળહળશે..!