Vande Mataram 150 Years Celebration: ભારતની આઝાદીની લડાઈનો જે મંત્ર હતો, તે ‘વંદે માતરમ’ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે ગુજરાત વિધાનસભામાં એક ઐતિહાસિક સંકલ્પ રજૂ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં આ ગૌરવશાળી સંકલ્પ રજૂ કરતા જણાવ્યું કે, વંદે માતરમ ક્યારેય અપ્રાસંગિક નહીં થાય અને તે ‘વિકસિત ભારત’ના સંકલ્પ માટે નવું પ્રેરણાબળ બનશે.
અમૃતકાળનું પ્રેરણાબળ: Vande Mataram
મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે, 1875માં બંકિમચંદ્ર ચટોપાધ્યાયે જ્યારે આ ગીતની રચના કરી હતી, ત્યારે તેણે ગુલામ ભારતમાં રાષ્ટ્રભક્તિની જ્યોત જગાવી હતી. આજે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે દેશ આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યો છે, ત્યારે વંદે માતરમ એ જ જોમ અને જુસ્સા સાથે ‘આત્મનિર્ભર ભારત’ માટે શક્તિ પ્રદાન કરશે.
સંઘર્ષ અને પ્રતિબંધનો ઇતિહાસ
CM ભુપેન્દ્ર પટેલે આ ગીતના રોમાંચક ઇતિહાસને વાગોળતા કહ્યું કે, એક સમયે બ્રિટિશ સરકાર આ ગીતથી એટલી હચમચી ગઈ હતી કે તેમણે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે લોકો વંદે માતરમ ગાતા, તેમના પર કોરડા વીંઝવામાં આવતા અને જેલમાં ધકેલી દેવાતા. આમ છતાં, આ ગીત લાખો ભારતીયોના હૃદયમાં ગુંજતું રહ્યું અને આઝાદીનો જયઘોષ બની ગયું.
વડાપ્રધાન મોદીની કાવ્ય પંક્તિઓનું સ્મરણ
મુખ્યમંત્રીએ સભાગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક કાવ્ય રચનાને પણ ટાંકી હતી, જેમાં તેમણે વંદે માતરમને રાષ્ટ્રભક્તિની આહલેક અને વિકાસની અણનમ ઓળખ ગણાવ્યું છે. CM એ ઉમેર્યું કે, વડાપ્રધાને આ ગીતના 150 વર્ષની દેશવ્યાપી ઉજવણી દ્વારા આપણને મહાન નાયકોનું પુણ્ય સ્મરણ કરવાનો અવસર આપ્યો છે.

મુખ્યમંત્રીના સંબોધનના મુખ્ય અંશ
ભારત માતા ‘બહુબલ ધારિણી’ અને ‘રિપુદલ વારિણી’ છે, જે રાષ્ટ્ર વિરોધી શક્તિઓ અને દુશ્મનોનો નાશ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. ‘મારી માટી મારો દેશ, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને ‘હર ઘર તીરંગા – ઘર ઘર તીરંગા જેવા અભિયાનો દ્વારા દેશમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને નવી સાંસ્કૃતિક ચેતના પ્રબળ બની છે. પરાક્રમની પરાકાષ્ઠાએ પહોંચેલું આજનું ભારત દુશ્મનોના કોઈપણ કાંકરીચાળાનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે, જે રાષ્ટ્રની અતૂટ શક્તિ અને એકતાનો પરિચય આપે છે.
વિધાનસભા ગૃહ ‘વંદે માતરમ’ (Vande Mataram) અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મુખ્યમંત્રીએ આ ગીતને પ્રજા જીવનની પ્રત્યેક પ્રભાતની પ્રબુદ્ધ ચેતનાનો સ્વર ગણાવ્યો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં વંદે માતરમ @150ની ઉજવણી, આજે સરકારી કચેરીઓનો સમય બદલાયો
આ પણ વાંચો:અમદાવાદમાં વંદે માતરમ જનરક્ષક PCR દ્વારા સર્જાયો અકસ્માત, પાર્ક કરેલી કારને 10 ફૂટ દૂર ફગાવી
આ પણ વાંચો:આ રાજ્યમાં હવે ફોન રિસીવ કરતા હેલો નહીં પણ વંદે માતરમ બોલવું ફજિયાત! ટૂંક સમયમાં અમલીનો આદેશ અપાશે
