Gujarat News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા બાદ તાલુકા પંચાયત (Vadgam Taluka Panchayat Election) પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રથમ તબક્કામાં 133 તાલુકા પંચાયતોના પ્રમુખોની જાહેરાત થયા બાદ આજે રાજ્યની બાકી રહેલી 127 તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત હોલમાં ચૂંટણી દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો.
Vadgam Taluka Panchayat Election: કોંગ્રેસ-ભાજપ આમને-સામને
માહિતી મુજબ વડગામ તાલુકા પંચાયત (Vadgam Taluka Panchayat Election) હોલની અંદર પ્રમુખ પદની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. થોડી જ વારમાં મામલો ધક્કામુક્કી સુધી પહોંચી ગયો હતો. હોલની અંદર સર્જાયેલા હોબાળાના દૃશ્યોને કારણે સમગ્ર વાતાવરણ તંગ બની ગયું હતું.
વિવાદ માત્ર હોલની અંદર જ નહીં પરંતુ બહાર પણ ફેલાયો હતો. બંને પક્ષોના સમર્થકો આમને-સામને આવી જતા ભારે ગડબડ સર્જાઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે પોલીસ માટે પણ મામલો કાબૂમાં લેવું મુશ્કેલ બન્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
રાજકીય સમીકરણોની વાત કરીએ તો વડગામ તાલુકા પંચાયત (Vadgam Taluka Panchayat Election)માં કોંગ્રેસના 14માંથી 13 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે ભાજપના 13 સભ્યો સાથે એક અપક્ષ ઉમેદવારને લઈને કાંટાની ટક્કર જોવા મળી રહી હતી.
જૂનાગઢમાં પણ રાજકીય ગરમાવો
બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. અહીં ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 9-9 બેઠકો હોવાથી ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ બની હતી.
આ દરમિયાન ‘આપ’ના સમર્થક અને પ્રમુખ પદના ઉમેદવારના ટેકેદાર સંજય પાઘડારની છેતરપિંડી અને મારપીટના કેસમાં ધરપકડ થતા રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહી પાછળ રાજકીય દબાણ હોવાના આક્ષેપો કર્યા છે. પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે મતદાનને પ્રભાવિત કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જોકે પોલીસે આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયાનો ભાગ હોવાનું જણાવ્યું છે.
આજે 17 જિલ્લાઓની તાલુકા પંચાયતો પર નજર
આજના બીજા તબક્કામાં રાજ્યના ચારેય ઝોનના 17 જિલ્લાઓની તાલુકા પંચાયતોમાં પ્રમુખોની વરણી પ્રક્રિયા ચાલી રહી છે. વિજેતા ઉમેદવારોના નામ જાહેર થતાં જ સમર્થકો દ્વારા જીતની ઉજવણી માટે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
આજે જે જિલ્લાઓમાં પ્રમુખોની જાહેરાત થશે:
સૌરાષ્ટ્ર ઝોન: દ્વારકા, અમરેલી, બોટાદ, જૂનાગઢ, મોરબી, પોરબંદર
મધ્ય ઝોન: અમદાવાદ, દાહોદ, ભરૂચ, પંચમહાલ, વડોદરા
દક્ષિણ ઝોન: ડાંગ
ઉત્તર ઝોન: અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, વાવ-થરાદ, સાબરકાંઠા
આ પણ વાંચો:વડગામની છાપી ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચે ગેરવહીવટ આચરતા નોટિસ ફટકારાઈ
આ પણ વાંચો:ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ
આ પણ વાંચો:બનાસકાંઠામાં યુવક યુવતીએ જંગલમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
