Kutch News/ કચ્છમાં ખંડણી, ધમકી અને લૂંટના ગુનામાં AAP નેતા સહિત ત્રણની ધરપકડ

કચ્છમાં AAP નેતા સંજય બાપટની ખંડણી (Extortion)ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વેપારીની ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
AAP leader arrested in Kutch on extortion

Kutch News: કચ્છમાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવનાર એક ગંભીર ઘટનામાં આમ આદમી પાર્ટી(AAP)ના કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટ (Sanjay Bapat)સહિત ત્રણ લોકો સામે ખંડણી (Extortion), લૂંટ (Loot)અને ધમકી (Threat) ના ગુનામાં કાર્યવાહી થતાં ભારે ચર્ચા જાગી છે. પ્રાગપર પોલીસે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે, જ્યારે સમગ્ર મામલો હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે.

AAP નેતા સામે ઓઇલના વેપારીની ફરિયાદ

આદિપુર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ અને પ્લાસ્ટિકના ખાલી ઓઈલ બેરલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી અબ્દુલા ગફૂર હાલેપોત્રાએ ફરિયાદ નોંધાવી છે કે મુંદરા નિવાસી AAP નેતા સંજય બાપટ લાંબા સમયથી તેમના ધંધા પર દબાણ બનાવી રહ્યો હતો. વેપારીએ પોલીસને આપેલી માહિતી અનુસાર બાપટ દ્વારા ધંધો શાંતિથી ચલાવવો હોય તો રૂપિયા ચૂકવવાની માંગણી કરવામાં આવતી હતી. શરૂઆતમાં પરિચિત મારફતે સંપર્ક સાધવામાં આવ્યો હતો અને બાદમાં સીધા ફોન દ્વારા દબાણ વધારાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

AAP નેતા સંજય બાપટે વેપારી પાસેથી ખંડણી (Extortion) માંગી હોવાનો આરોપ

ફરિયાદ અનુસાર AAP નેતા સંજય બાપટે વેપારીને પોતાની ઓળખ અને પ્રભાવનો ઉપયોગ કરીને ધમકીભર્યા શબ્દોમાં પૈસાની માંગ (Extortion) કરી હતી. વેપારીએ રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં તેને ધંધો બંધ કરાવી દેવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. થોડા દિવસ બાદ બાપટે પોતાના બે સાગરીતોને વેપારીના ગુંદાલા નજીક આવેલા ધંધાના સ્થળે મોકલ્યા હોવાનો આક્ષેપ છે.

ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

ઘટનાના દિવસે બે શખ્સો બુલેટ મોટરસાયકલ પર ધંધાના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે બોલાચાલી બાદ મારામારી સર્જાઈ હતી. ફરિયાદ મુજબ એક કર્મચારીના ખિસ્સામાંથી રોકડ રકમ છીનવી લેવામાં આવી હતી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વેપારી અને અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. એક આરોપી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો જ્યારે બીજા આરોપીને લોકોએ પકડી લીધો હતો.

સંજય બાપટના સાગરિતને પકડીને પોલીસના હવાલે કરાયો

પકડાયેલા વ્યક્તિ પાસેથી સંજય બાપટના નામે કામ કરવા મોકલવામાં આવ્યા હોવાની કબૂલાત લેવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવાયો હોવાનું કહેવાય છે. બાદમાં વેપારીએ આરોપીને પોલીસ હવાલે કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પ્રાગપર પોલીસે સંજય બાપટ, માણેક ગઢવી, હરિ ગઢવી અને આરીફ ખલીફા સામે લૂંટ, ખંડણી અને ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સંજય બાપટ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંજય બાપટના સાગરિતની વેપારી સામે વળતી ફરિયાદ

જોકે મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરીફ ખલીફાએ પણ વળતી ફરિયાદ નોંધાવી. તેણે આરોપ મૂક્યો કે તેઓ ઓઈલ ચોરી સંબંધિત પ્રવૃત્તિ અંગે માહિતી એકત્ર કરવા અને વીડિયો રેકોર્ડિંગ કરવા ગયા હતા, ત્યારે વેપારીના  માણસોએ તેમને પકડીને માર માર્યો અને દબાણ હેઠળ ખોટી કબૂલાત કરાવતો વીડિયો બનાવ્યો હતો.

AAP નેતાની ધરપકડથી રાજકીય ચહલપહલ વધી

આ સમગ્ર ઘટનાએ રાજકીય માહોલમાં પણ ગરમાવો લાવ્યો છે. સંજય બાપટ અગાઉ પણ વિવાદોમાં ઘેરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકીય ક્ષેત્રે એવી ચર્ચા ઉઠી રહી છે કે સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ વચ્ચે આવા વિવાદાસ્પદ ચહેરાઓને કારણે પાર્ટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે. હાલમાં સમગ્ર મામલાની પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે અને બંને પક્ષોની ફરિયાદોને આધારે પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.


આ પણ વાંચો : વિસાવદરમાં કોંગ્રેસ બેઠકમાં કરસન ભાદરકાના AAP પાર્ટી પર પ્રહારો

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ મુદ્દે AAPનો ચોકલેટ વિરોધ

આ પણ વાંચો : નર્મદા કલેક્ટરની પ્રથમ બેઠકમાં ભારે હોબાળો, પાણી-રસ્તા મુદ્દે ભાજપ અને AAPના નેતાઓ એકસાથે તંત્ર પર વરસ્યા