Sports News: ક્રિકેટના મેદાન પર અનેક ઐતિહાસિક રેકોર્ડ બનાવનાર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) બાળપણની એક ખાસ યાદ સોશિયલ મીડિયા પર શેર કરી (Sachin Childhood Photo) છે. માસ્ટર બ્લાસ્ટરે પોતાના બાળપણની તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેઓ હાથમાં નાનું બેટ પકડીને જોવા મળે છે. આ સાથે તેમણે જણાવ્યું કે ક્રિકેટની શરૂઆતમાં વાપરેલું તેમનું પહેલું બેટ (First Cricket Bat) આજે પણ તેમની પાસે છે.
સચિને પોસ્ટમાં લખ્યું, ‘પહેલા બેટની વાત છે… 49 વર્ષ બાદ પણ આ મારી સાથે છે.’ તેમની આ પોસ્ટે ક્રિકેટપ્રેમીઓને તેમના શરૂઆતના દિવસોની યાદ અપાવી (49 Year Old Bat) છે.
Sachin Tendulkar: 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ
સચિન તેંડુલકરે 15 નવેમ્બર, 1989ના રોજ પાકિસ્તાન સામે કરાચીમાં 16 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે લગભગ 24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
તેમની છેલ્લી ટેસ્ટ મેચ 14થી 16 નવેમ્બર, 2013 દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ હતી. આ તેમની કારકિર્દીની 200મી ટેસ્ટ મેચ હતી. 16 નવેમ્બર, 2013ના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
100 આંતરરાષ્ટ્રીય સદી અને 34 હજારથી વધુ રન
સચિનના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ છે. તેમણે 200 ટેસ્ટ મેચમાં 15,921 રન બનાવ્યા હતા, જેમાં 51 સદી અને 68 અડધી સદી સામેલ છે.
વન-ડે ક્રિકેટમાં તેમણે 463 મેચ રમીને 18,426 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં તેમના નામે 49 સદી અને 96 અડધી સદી છે. આમ, સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 34,357 રન બનાવ્યા છે. ટેસ્ટ અને વન-ડે બંનેમાં તેઓ સૌથી વધુ રન બનાવનાર બેટર છે.
વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા સામે ગ્વાલિયરમાં તેમણે વન-ડે ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.
2011માં પૂરું થયું વર્લ્ડ કપ જીતવાનું સપનું
સચિનની કારકિર્દીની યાદગાર સિદ્ધિઓમાં 2011નો વન-ડે વર્લ્ડ કપ ખાસ સ્થાન ધરાવે છે. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. 1992થી સતત વર્લ્ડ કપ રમતા આવેલા સચિન માટે આ છઠ્ઠા પ્રયાસે મળેલી ઐતિહાસિક સફળતા હતી.
વર્ષ 2014માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા હતા. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ખેલાડી બન્યા હતા. વર્ષ 2019માં તેમને ICC હોલ ઑફ ફેમમાં પણ સ્થાન મળ્યું હતું.
બાળપણમાં ક્રિકેટની શરૂઆત સાથે જોડાયેલું પહેલું બેટ 49 વર્ષ સુધી સાચવી રાખવું સચિન માટે આ રમત સાથે જોડાયેલી ખાસ યાદનું પ્રતીક છે. તેમની આ પોસ્ટે ચાહકોને તેમની ક્રિકેટ સફરની શરૂઆતની યાદ અપાવી છે.
આ પણ વાંચો: સચિન તેંડુલકરે લોનાવલામાં ખરીદી 3.86 એકર જમીન, 70 કરોડની ડીલ
આ પણ વાંચો: અર્જુન તેંડુલકરના પ્રી-વેડિંગ ફંક્શનમાં સચિન તેંડુલકર થયા ભાવુક! વીડિયો વાયરલ!
આ પણ વાંચો: જ્યારે સચિન તેંડુલકર સામે અમ્પાયર ‘ખલનાયક’ બન્યા, સ્ટીવ બકનરએ 20 વર્ષ બાદ કબૂલ કરી ભૂલ
