Rajkot News/ નવા મેયર નેહલ શુક્લએ પદ સંભાળતા જ ભાજપના ‘જૂના જોગીઓ’ના પ્રોજેક્ટ્સ પર ફેરવ્યું પાણી

Rajkot New Mayor Nehal Shukla: રાજકોટ મનપાના 23માં મેયર તરીકે ચાર્જ સંભાળતા જ ડૉ. નેહલ શુક્લએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના 20% થી ઓછા થયેલા કામો સ્થગિત કરી દીધા છે અને ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવ્યું છે.

Top Stories Gujarat Rajkot
Rajkot New Mayor Nehal Shukla

Rajkot New Mayor Nehal Shukla: ગુજરાતના રાજકારણમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહેતા રંગીલા રાજકોટ શહેરમાંથી એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના નવનિયુક્ત 23માં મેયર ડૉ. નેહલ શુક્લ ચાર્જ સંભાળતાની સાથે જ જબરદસ્ત એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મંજૂર કરાયેલા અને ૨૦% થી ઓછું કામ થયું હોય તેવા તમામ પ્રોજેક્ટ્સ એકઝાટકે સ્થગિત (સસ્પેન્ડ) કરવાનો સનસનાટીભર્યો નિર્ણય લીધો છે. ભાજપના શાસન હેઠળ જ મંજૂર થયેલા વિકાસ કામોને ભાજપના જ નવા મેયરે અટકાવી દેતા રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.

Rajkot :મનપાના અધિકારીઓને મેયરનું અલ્ટીમેટમ

મેયર પદની ખુરશી પર બિરાજમાન થતાની સાથે જ ડૉ. નેહલ શુક્લએ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ-લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધું કે, “હવે કોર્પોરેશનમાં જૂની પદ્ધતિઓ નહીં ચાલે.” પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે છેલ્લા બે વર્ષના કાર્યકાળ દરમિયાન જે પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા હતા, તેમાંથી જે કામોની ગતિ અત્યંત ધીમી છે અને જેનું પ્રોગ્રેસ ૨૦% પણ થયું નથી, તે તમામ કામોને તુરંત જ અટકાવી દેવાયા છે. આ પ્રોજેક્ટ્સનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ જ આગામી વર્ષે તેને ફરી શરૂ કરવા અંગે વિચારવામાં આવશે.

ભ્રષ્ટાચાર સામે ચેતવણી, કોન્ટ્રાક્ટરો થશે બ્લેકલિસ્ટ

મેયર ડૉ. નેહલ શુક્લએ માત્ર કામો અટકાવ્યા એટલું જ નહીં, પરંતુ ભ્રષ્ટાચાર અને આર્થિક નુકસાન અંગે પણ સીધી ચેતવણી આપી છે. તેમણે જાહેરાત કરી છે કે જો કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે મનપાની તિજોરીને એક પણ રૂપિયાનું નુકસાન થયું હશે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં લેવાશે અને નબળું કે ધીમું કામ કરનારા કોન્ટ્રાક્ટરોને સીધા જ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. આ નિર્ણયને તેમણે પ્રધાનમંત્રીના કરકસરના અભિયાનનો એક ભાગ ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે મનપા કચેરીના પેટ્રોલ-ડીઝલના બિલમાં પણ ૭૦% સુધીનો તોતિંગ ઘટાડો કરવામાં આવશે.

ટિકિટ કપાતી હતી ને સીધા મેયર બન્યા!

રાજકોટના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આંતરિક ખેંચતાણને કારણે સ્થાનિક બોડીની ચૂંટણીમાં પહેલા નેહલ શુક્લનું નામ લિસ્ટમાંથી કપાઈ ગયું હતું. જો કે, છેલ્લી ઘડીએ પ્રદેશ કક્ષાએથી તેમની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ અને તેઓ કોર્પોરેટર બન્યા બાદ સીધા મેયરની ખુરશી સુધી પહોંચી ગયા. ડૉ. નેહલ શુક્લ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવારના ખાસ આશીર્વાદ હોવાનું મનાય છે. મેયર તરીકે નામ જાહેર થયા બાદ તેઓ સીધા સ્વ. વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા અને અંજલિબેન રૂપાણીના આશીર્વાદ લીધા હતા.

બીજી તરફ, આ વિવાદ વચ્ચે રાજકોટ ભાજપ શહેર પ્રમુખ માધવ દવેની આગેવાનીમાં ‘ટીમ રાજકોટ’ ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળને મળવા પહોંચી હતી. ખાસ વાત એ છે કે શહેર પ્રમુખ માધવ દવેએ મેયર નેહલ શુક્લના આ કડક નિર્ણયને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, જેનાથી વિરોધી જૂથ બેકફૂટ પર આવી ગયું છે.

કોને કયું પદ મળ્યું?

રાજકોટ મહાનગરપાલિકામાં સર્વાનુમતે નિમાયેલા નવા હોદ્દેદારોનું માળખું નીચે મુજબ છે:

હોદ્દો (Designation) નિયુક્ત સદસ્યનું નામ (Name) વોર્ડ નંબર (Ward No.)
મેયર (Mayor) ડૉ. નેહલભાઈ શુક્લ વોર્ડ નં. 7
ડેપ્યુટી મેયર (Deputy Mayor) દક્ષાબેન વસાણી વોર્ડ નં. 9
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા વોર્ડ નં. 6
શાસક પક્ષના નેતા ડૉ. હિરેન ખીમાણીયા વોર્ડ નં. 14
પક્ષના દંડક (Whip) સંજયસિંહ રાણા વોર્ડ નં. 18

નવી કમિટી અને પદાધિકારીઓએ રાજકોટની વિકાસ યાત્રાને નવી ઉર્જા સાથે આગળ વધારવાનો કોલ આપ્યો છે, પરંતુ શરૂઆતના સપ્તાહમાં જ લેવાયેલા આ મોટા નિર્ણયથી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો અને જૂના રાજકીય નેતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ઘરે બેઠા કોરોના વેકસીન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર વ્રુક્ષોના સુંદર ક્યારા બનાવવાનું શરૂ

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય