Rajkot News: રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા હરિભાઈ નામના આધેડે પોતાના જ ઓળખીતાઓ અને પડોશીઓ દ્વારા કરવામાં આવતા કથિત બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા (Rajkot Suicide Case) કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે.
આપઘાત પહેલા હરિભાઈએ લખેલી સુસાઇડ નોટમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ હાલ આ નોટના આધારે સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
સુસાઇડ નોટમાં અનેક લોકોના નામનો ઉલ્લેખ
મળતી માહિતી મુજબ, હરિભાઈએ આત્મહત્યા (Rajkot Suicide Case) પહેલા લખેલી ચિઠ્ઠીમાં તેમના પડોશમાં રહેતા નરેશભાઈ અને રવજીભાઈ સહિત કુલ 6 શખ્સો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર, આરોપીઓ દ્વારા લાંબા સમયથી માનસિક દબાણ અને આર્થિક બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું.
Rajkot Suicide Case: ફોટા વાયરલ કરવાની ધમકીનો આક્ષેપ
સુસાઇડ નોટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક શખ્સો દ્વારા હરિભાઈને અપમાનજનક પરિસ્થિતિમાં ફસાવી તેમના ફોટા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમની માંગણી કરવામાં આવતી હતી. મૃતકે પોતાના અંતિમ પત્રમાં જણાવ્યું હતું કે આરોપીઓ દ્વારા તેમની પાસે આશરે 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.
પુત્રને જમીન વેચવાની વાત કરી હતી
ઘટનાએ વધુ કરુણ વળાંક ત્યારે લીધો જ્યારે સામે આવ્યું કે હરિભાઈએ પોતાના પુત્રને પણ આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેમણે પરિવારને જમીન વેચીને પણ આરોપીઓને નાણાં ચૂકવી દેવા જણાવ્યું હતું. જોકે સતત વધતા માનસિક દબાણ અને બ્લેકમેલિંગથી પરેશાન થઈ આખરે તેમણે જીવન ટૂંકાવવા (Rajkot Suicide Case)નો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે સુસાઇડ નોટને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી ગણાવવામાં આવેલા લોકોની પૂછપરછ તેમજ ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ સંબંધી ગુનાહ ઉકેલવામાં સાયબર પોલીસ સ્ટેશન મહત્વની ભૂમિકા ભજવશે!
આ પણ વાંચો:રાજકોટમાં હનુમાનજી મંદિરના મહંતને વૉટ્સએપ ગ્રુપ છોડતાં જાનથી મારી નાખવાની ધમકી
