Rajkot News: ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામે આવેલા પ્રખ્યાત કેરીયા ટીંબા હનુમાનજી મંદિરના મહંતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે. તેમના દાવા મુજબ, “સત્ય સનાતન” નામના વૉટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળતાંની સાથે જ ગ્રુપના એક સભ્યએ ફોન પર ગાળો ગાડી, પૈસા માગવા બળજબરી કરી અને જાનથી મારી નાખવાની ધમકી (threat) આપી. ઉપરાંત યુ-ટ્યુબ પર વીડિયો અપલોડ કરી મહંતનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું છે.મહંતને કોઈક અજાણ્યા વ્યક્તિએ “સત્ય સનાતન” નામના વૉટ્સએપ ગ્રુપમાં ઉમેર્યા હતા.
મહંતને જાનથી મારી નાખવાની ધમકી મળી
ગ્રુપમાં સનાતન દેવી-દેવતાઓનું અપમાન થતું હોવાનું અને ધર્મ વિરુદ્ધ કાર્યવાહી કરવા પૈસા ભેગા કરવામાં આવતા હોવાનું જોઈ મહંતે તુર્ત જ ગ્રુપ છોડી દીધું છે. ગ્રુપ છોડતાંની સાથે જ એક વ્યક્તિ તરફથી ધમકીઓનો સિલસિલો શરૂ થયો હતો. ફોન પર વારંવાર પૈસાની માગણી, ગંદી ગાળો, જાનથી મારી નાખવાની ધમકી અને યુ-ટ્યુબ ચેનલ પર વીડિયો મૂકી જાહેર અપમાન કરવામાં આવ્યું હતું.પાટણવાવ પોલીસે (Police) મહંતની ફરિયાદને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.આરોપી સામે કલમ 308(4) ગુનાઈત ધમકી,BNS કલમ 351(2) ગુનાઈત બળજબરી, BNS કલમ 352 જાણીજોઈને અપમાન કરવું,તેમજ IT Act કલમ 67 ઈલેક્ટ્રોનિક માધ્યમથી અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવી હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીનું નામ મેરામણ નંદાણીયા છે.
મહંતે નિવેદનમાં જણાવ્યુ હતું કે “મેં ગ્રુપમાં દેવી-દેવતાઓનું અપમાન જોયું તે દિવસે જ ગ્રુપ છોડી દીધું. ત્યાર પછી આ વ્યક્તિ મને ફોન કરીને પૈસા માગે છે, ગાળો આપે છે, જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને યુ-ટ્યુબ પર મારું નામ લઈને વીડિયો મૂકે છે. હું એક સાધુ છું, મારી અને મંદિરની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.”આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ધાર્મિક ગ્રુપના નામે ચાલતી ઠગાઈ અને બ્લેકમેલિંગની પ્રવૃત્તિઓ પર ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યા છે.
