Radhanpur Vadpasar Lake Dead Body: પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરના ઐતિહાસિક વડપાસર તળાવમાં શુક્રવારે એક જ દિવસમાં બે અલગ-અલગ કરુણ ઘટનાઓ બની છે, જેમાં એક પ્રૌઢ મહિલા અને એક આશાસ્પદ યુવતીના મોત નિપજ્યા છે. થોડા જ કલાકોના અંતરે બનેલી આ બંને ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. રાધનપુર પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને આ મોત પાછળનું રહસ્ય શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

પહેલી ઘટના: તળાવમાંથી મળી આવી અજાણી મહિલાની લાશ
વડપાસર તળાવમાં શુક્રવારે સવારે પ્રથમ ઘટના સામે આવી હતી. પદ્મનાથ ચોક મંદિરની પાછળના ભાગે આવેલા તળાવના પાણીમાં એક અજાણી મહિલાનો મૃતદેહ તરતો હોવાની સ્થાનિકોને જાણ થઈ હતી. આ અંગે તાત્કાલિક રાધનપુર પોલીસને જાણ કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટના વાયુવેગે પ્રસરતા વિરોધ પક્ષના નેતા જયા ઠાકોર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળેટોળા તળાવ કિનારે જમા થઈ ગયા હતા.
પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢી પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ થઈ શકી હતી. આ મૃતક મહિલા રાધનપુરની જ સોનલનગર સોસાયટીમાં રહેતા ગીતાબેન હસમુખભાઈ ઠક્કર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગીતાબેનના શબને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

બીજી ઘટના: લાલબાગની યુવતી તળાવમાં ખાબકી
હજી પહેલી ઘટનાની તપાસ ચાલુ જ હતી ત્યાં જ વડપાસર તળાવમાં બીજી કાળજું કંપાવનારી ઘટના બની હતી. લાલબાગ વિસ્તારમાં રહેતી આસ્થાબેન રસિકભાઈ રાણા નામની એક યુવતી અચાનક તળાવના ઊંડા પાણીમાં પડી હોવાની ખબર મળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને રાધનપુર પોલીસ, 108 એમ્બ્યુલન્સની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક કિનારે પહોંચ્યા હતા.
સ્થાનિક સાહસિક તરવૈયા ગોપાલભાઈ રાણા અને તેમની ટીમે જીવના જોખમે તળાવના ઊંડા પાણીમાં ઉતરીને ભારે જહેમત બાદ યુવતી આસ્થાને બહાર કાઢી હતી. ઘટનાસ્થળે જ 108ની મેડિકલ ટીમે તેને પ્રાથમિક સીપીઆર અને સારવાર આપીને વધુ સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન આસ્થાબેન રાણાનું પણ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આત્મહત્યા કે અકસ્માત? Radhanpur પોલીસ મેદાને
એક જ દિવસમાં, એક જ તળાવમાંથી બે-બે નારી શક્તિના મોતના સમાચારથી રાધનપુર શહેરમાં ગમગીની છવાઈ ગઈ છે. લોકોમાં વડપાસર તળાવની સુરક્ષા અને આવી ઘટનાઓ પાછળના કારણોને લઈને અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે. રાધનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બંને બનાવો અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી, આ આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી આની પાછળ કોઈ અન્ય રહસ્ય છુપાયેલું છે, તે દિશામાં ઝીણવટભરી કાનૂની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: રાધનપુર ચોકડી અકસ્માતમાં ચોંકાવનારો વળાંક, ટ્રેલરની ટક્કર નહીં, યુવકે કરી આત્મહત્યા
આ પણ વાંચો: મહેસાણા રાધનપુર ચોકડી પર હિટ એન્ડ રનની ઘટના, રાહદારી યુવાનનું ઘટનાસ્થળ પર મોત
આ પણ વાંચો: રાધનપુર કંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3થી વધુ લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત
