Navsari News/ નવસારીમાં ખાતર વિતરણ માટે ડિજિટલ ક્રાંતિ, હવે QR કોડથી મળશે સબસિડીવાળું ખાતર

નવસારીમાં શરૂ થયેલી ડિજિટલ ફર્ટિલાઈઝર બુકિંગ સિસ્ટમથી ખેડૂતો (farmers) હવે ઘરેબેઠા ખાતર બુક કરી શકશે, QR કોડથી સરળતાથી ખાતર મેળવી શકશે અને ટૂંક સમયમાં આ સુવિધા સમગ્ર ગુજરાતમાં વિસ્તરશે.

Top Stories Gujarat
farmers

Gujarat Farmers: નવસારીમાં ખેડૂતો (farmers) ને ખાતર ખરીદવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધુનિક ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ’ નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. આ નવી ડિજિટલ વ્યવસ્થાથી ખાતર વિતરણ પ્રક્રિયા વધુ પારદર્શક બની છે અને ખેડૂતોને લાંબી લાઈનો તેમજ વચેટિયાઓની મનમાનીમાંથી રાહત મળી છે.

નવી સિસ્ટમ હેઠળ ખેડૂતો હવે ઘરેબેઠા જ પોતાની જરૂરિયાત મુજબ ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકે છે. નવસારીના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ગાંધીના જણાવ્યા અનુસાર, એપના ઉપયોગથી ખાતર મેળવવાની પ્રક્રિયા સરળ બની ગઈ છે અને વિક્રેતાઓ પાસે વારંવાર ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. પરિણામે ખેડૂતોનો સમય અને મહેનત બંને બચે છે.

ખેડૂતોને સમયસર સબસિડીવાળું ખાતર ઉપલબ્ધ કરાવવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે. ખેડૂતોએ પોતાની ઓળખ અને જમીન સંબંધિત વિગતો નોંધાવ્યા બાદ તેમને એક યુનિક “QR કોડ” આપવામાં આવે છે. આ QR કોડ નજીકના ખાતર વિતરણ કેન્દ્ર પર દર્શાવતા જ ખેડૂતોને જરૂરી ખાતર મળી જાય છે.

આ ડિજિટલ સિસ્ટમ ખાતરના પુરવઠા અને માંગનું રિયલ-ટાઇમ મેનેજમેન્ટ કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ રહી છે. જેના કારણે સ્ટોકની સ્થિતિ, વિતરણ અને ઉપલબ્ધતાની માહિતી વધુ અસરકારક રીતે સંચાલિત થઈ શકે છે.

નવસારી જિલ્લામાં આ પ્રયોગને મળેલી સફળતા બાદ હવે તેને સમગ્ર ગુજરાતમાં વિસ્તૃત કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી સમયમાં રાજ્યના લાખો ખેડૂતો આ ડિજિટલ સુવિધાનો લાભ લઈ શકશે, જેના કારણે ખેતી ક્ષેત્ર વધુ આધુનિક, પારદર્શક અને કાર્યક્ષમ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

આ પણ વાંચો : સરખેજમાં પ્રેમીએ જ યુવતીની હત્યા કરતા ચકચાર

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકામાં સરપંચના પતિ સહિત બે જણા લાંચ લેતા ઝડપાયા