India Slams Pakistan at UNSC 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અફઘાનિસ્તાનની સ્થિતિ પર યોજાયેલી ચર્ચા દરમિયાન ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર બરાબરનું ખંખેર્યું છે. યુએન (UN) માં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, આતંકવાદ વિરૂદ્ધ લડાઈના નામે અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને પાકિસ્તાન જે હુમલા કરી રહ્યું છે તે વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું ઉલ્લંઘન અને એક ક્રૂર ‘નરસંહાર’ (Massacre) છે.
“આતંકવાદ સામેની લડાઈના નામે માસૂમોની હત્યા એ પાખંડ”
ભારતના(India) પ્રતિનિધિ પી. હરીશે યુએનએસસી (UNSC) માં પાકિસ્તાનની બેવડી નીતિને ખુલ્લી પાડતા જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદ સામેની કાર્યવાહીના બહાને અફઘાનિસ્તાનના સામાન્ય અને નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યું છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું:
“આ પાકિસ્તાનના પાખંડનું સૌથી મોટું ઉદાહરણ છે. કોઈ નરસંહાર કરનાર દેશ પોતાના પાપને છુપાવવા માટે જો તેને ‘સૈન્ય ઓપરેશન’ કે મિલિટરી એક્શનનું નામ આપી દે, તો તે પોતાના આ ભયાનક પાપમાંથી મુક્ત થઈ જતો નથી.”
યુનાઇટેડ નેશન્સ અસિસ્ટન્સ મિશનના સત્તાવાર આંકડાઓનો હવાલો આપતા ભારતે(India) જણાવ્યું કે, વર્ષ 2026 ના શરૂઆતના માત્ર 3 મહિનામાં જ પાકિસ્તાની હુમલામાં અફઘાનિસ્તાનના 372 સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. આમાંથી મોટાભાગના માસૂમ લોકો પવિત્ર રમઝાન માસ દરમિયાન માર્યા ગયા હતા.
વેપાર માર્ગો રોકીને UN ચાર્ટરનું ઉલ્લંઘન કર્યું
ભારતે(India) આંતરરાષ્ટ્રીય મંચ પર એ વાત પર પણ ભાર મૂક્યો કે અફઘાનિસ્તાન એક લેન્ડલોક (ચારેય બાજુ જમીનથી ઘેરાયેલો) દેશ છે, અને પાકિસ્તાન તેના ભૌગોલિક સ્થાનનો દુરુપયોગ કરીને અફઘાનિસ્તાનના વેપાર માર્ગોમાં સતત અવરોધો ઊભા કરી રહ્યું છે. પી. હરીશે જણાવ્યું કે, અફઘાનિસ્તાનની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લગાવીને પાકિસ્તાને વૈશ્વિક વેપાર નિયમો અને યુએન ચાર્ટર (UN Charter) નો સરેઆમ ભંગ કર્યો છે.
સંકટના સમયે India બન્યું અફઘાનિસ્તાનનો સાચો મિત્ર
પાકિસ્તાનની નકારાત્મકતાની સામે ભારતે(India) અફઘાનિસ્તાનની જનતા માટે કરેલી માનવીય અને વિકાસલક્ષી સહાયની વિગતો વિશ્વ સામે રજૂ કરી હતી:
મોટી માનવીય સહાય: વર્ષ 2021 પછી ભારતે અફઘાનિસ્તાનની મદદ માટે 50,000 ટન ઘઉં, 420 ટન અત્યંત જરૂરી દવાઓ-વેક્સિન અને 40,000 લીટર કીટનાશક દવાઓ મોકલી છે.
પૂર રાહત સામગ્રી: આ જ વર્ષે (April 2026) અફઘાનિસ્તાનમાં આવેલા પૂરના સંકટ સમયે ભારતે તાત્કાલિક રાહત સામગ્રી અને વેક્સિનનો મોટો જથ્થો કાબુલ મોકલ્યો હતો.
500 થી વધુ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ: ભારત અફઘાનિસ્તાનના તમામ 34 પ્રાંતોમાં 500 થી વધુ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યું છે. પક્તિકા, પક્તિયા અને ખોસ્ત પ્રાંતમાં ભારતે મેટરનિટી ક્લિનિક્સ (પ્રસુતિ ગૃહ) નું નિર્માણ કરાવ્યું છે.
મેડિકલ સેક્ટરમાં મોટું યોગદાન: કાબુલમાં આવેલી ‘ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થ’ ને અપગ્રેડ કરવાની સાથે ભારતે ત્યાં ટ્રોમા સેન્ટર, ઓન્કોલોજી (કેન્સર) સેન્ટર અને 30 બેડની આધુનિક હોસ્પિટલ બનાવી આપી છે.
આ ઉપરાંત, સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ભારત અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને દ્વિપક્ષીય શ્રેણીઓ માટે પોતાના સ્ટેડિયમ આપીને હોસ્ટ કરી રહ્યું છે. ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, અમારા અફઘાન ભાઈ-બહેનો આ મુશ્કેલ સ્થિતિ કરતાં ઘણી વધુ સારી સુવિધાઓ અને સન્માનના હકદાર છે.
