Donald Trump AI Video 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાની અનોખી અદાઓ અને સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક એવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે, જેણે આખી દુનિયામાં ધૂમ મચાવી દીધી છે. આ ૧ મિનિટના મજેદાર એઆઈ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના રસ્તાઓ પર બાઇક ચલાવતા અને સાંકડી ગલીઓમાં ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.
રણમાં ઊંટની સવારીથી લઈને સ્પેસ સુધીનો અંદાજ
આ વાયરલ થઈ રહેલા એઆઈ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક અલગ જ અને અસાધારણ સુપરહીરો જેવા અંદાજમાં જોવા મળે છે:
વીડિયોમાં તેઓ રણમાં ઊંટ પર સવારી કરતા, હવામાં પેરાગ્લાઇડિંગ કરતા અને એક સિંહ પર સવારી કરતા બતાવવામાં આવ્યા છે.
એક સીનમાં તો ટ્રમ્પ સ્પેસસૂટ પહેરીને સ્પેસમાં ચંદ્ર પર અમેરિકન ધ્વજ ફરકાવતા પણ દેખાય છે.
આટલું જ નહીં, વીડિયોમાં તેમનો ચહેરો પિઝા પર, બસ પર, મોટા મોટા હોર્ડિંગ્સ, નોર્ધન લાઇટ્સ અને અમેરિકાના પ્રખ્યાત માઉન્ટ રશમોર પર પણ એડિટ કરીને બતાવવામાં આવ્યો છે.
બેકગ્રાઉન્ડમાં ગીત: ‘દુનિયામાં બધા ટ્રમ્પને પ્રેમ કરે છે’
વીડિયોના બેકગ્રાઉન્ડમાં ટ્રમ્પની પ્રશંસા કરતું એક ખાસ ગીત વાગી રહ્યું છે, જેના શબ્દો છે- ‘એવરીબડી લવ્સ ડોનાલ્ડ ટ્રમ્પ’ (Everybody Loves Donald Trump) અને ‘થેંક યુ પ્રેસિડેન્ટ ટ્રમ્પ’.
માત્ર 1 મિનિટના આ વીડિયોમાં ‘ટ્રમ્પ’(Trump) શબ્દનો ઉપયોગ 45 વાર અને ‘ડોનાલ્ડ’ (Trump) નામનો ઉપયોગ 29 વાર કરવામાં આવ્યો છે. ગીતમાં દાવો કરાયો છે કે મેક્સિકો, મિડલ ઈસ્ટ, ચીન અને ભારતમાં પણ બધા લોકો ટ્રમ્પને ખૂબ પસંદ કરે છે. આ ગીત ન્યૂયોર્કના ટ્રમ્પ સમર્થિત રિપબ્લિકન ઉમેદવાર એન્થની કોન્સ્ટન્ટિનોના પ્રચારનો એક ભાગ છે અને ટ્રમ્પે આ વીડિયો શેર કરતા તેમણે ગર્વ વ્યક્ત કર્યો છે.
Trump નો જૂનો વિવાદ
આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે (Trump) આવું કન્ટેન્ટ શેર કર્યું હોય. આ પહેલા તેમણે પોતાને જેમ્સ બોન્ડના અંદાજમાં ‘ટ્રમ્પ 007’ તરીકે રજૂ કર્યા હતા. ગયા મહિને તેમણે પોતાનો એક એઆઈ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમને જીસસ (ઈસુ ખ્રિસ્ત) ના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. આ પોસ્ટને લઈને ભારે હોબાળો અને વિવાદ થતા બાદમાં તેને હટાવી લેવાઈ હતી, જોકે ટ્રમ્પે માફી માગવાના બદલે સ્પષ્ટતા કરી હતી કે, તેમને લાગ્યું કે તેઓ ફોટોમાં ડોક્ટર જેવા દેખાઈ રહ્યા છે!
ઈરાન યુદ્ધ સંબંધિત ભ્રામક તસવીરો પણ કરી હતી પોસ્ટ
ટ્રમ્પે (Trump) ઈરાન યુદ્ધની શરૂઆતથી જ પોતાની સૈન્ય તાકાત બતાવવા માટે ઘણી એઆઈ તસવીરો પોસ્ટ કરી છે. આમાં ઈરાનના નૌકાદળને નષ્ટ થયેલું અને સમુદ્રમાં મોટી સંખ્યામાં યુદ્ધ જહાજો ડૂબતા દર્શાવવામાં આવ્યા હતા. આ તસવીરો દ્વારા તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની સેના નબળી પડી ગઈ છે અને અમેરિકા આગળ વધી રહ્યું છે. જો કે, આ તસવીરો સંપૂર્ણપણે નકલી (AI Generated) હતી અને લોકોએ તેને ડર પેદા કરનારો રાજકીય પ્રચાર ગણાવ્યો હતો.
એક્સપર્ટ્સનું વિશ્લેષણ
રાજકીય નિષ્ણાતોના મતે, ટ્રમ્પ(Trump) સોશિયલ મીડિયા અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનું એક “ડિજિટલ પર્સનાલિટી કલ્ટ” (Digital Personality Cult) બનાવી રહ્યા છે. આ એક એવી ડિજિટલ રમત છે જેમાં નેતાને અસાધારણ, અલૌકિક કે ભગવાન જેવા સર્વશક્તિમાન સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે, જેથી પ્રશંસકો કોઈ પણ તર્ક વગર તેમને આંધળો સપોર્ટ કરે.
ટીકાકારોનું કહેવું છે કે આવા મીમ કલ્ચર અને AI વિઝ્યુઅલ્સના કારણે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની સીમા ધૂંધળી થઈ રહી છે, જે ભવિષ્યમાં ખોટા નેરેટિવ અને ભ્રમ ફેલાવવાનું મોટું જોખમ ઊભું કરે છે.


