World News/ અમેરિકા-ઈરાન શાંતિ કરાર નજીક, ટ્રમ્પનો મોટો દાવો; ઈરાને કહ્યું- હજી અંતિમ તારીખ નક્કી નથી

અમેરિકા-ઈરાન (US-Iran) શાંતિ કરારની આશા વચ્ચે ટ્રમ્પે રવિવારે ઐતિહાસિક કરાર થવાનો દાવો કર્યો છે.

Top Stories World
US-Iran

US-Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે હવે શાંતિની આશા વધુ મજબૂત બની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે બંને દેશો વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર રવિવારે હસ્તાક્ષર થઈ શકે છે. જોકે ઈરાને સ્પષ્ટ કર્યું છે કે કરારના ડ્રાફ્ટ પર સહમતિ બની છે, પરંતુ હસ્તાક્ષરની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે કરાર અમલમાં આવ્યા બાદ હોર્મુઝ જળમાર્ગ તમામ દેશો માટે ખુલ્લો મુકવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે અમેરિકા ઈરાનને કોઈ નાણાકીય સહાય આપશે નહીં અને પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ ઉચ્ચ સ્તરે સમૃદ્ધ કરાયેલા યુરેનિયમના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન શાંતિ કરારની રૂપરેખા પર સહમત થઈ ગયા છે અને ટૂંક સમયમાં ઇ-હસ્તાક્ષરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. જોકે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે કરારના કેટલાક મુદ્દાઓમાં હજુ ફેરફાર શક્ય છે અને પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

અહેવાલો અનુસાર પ્રસ્તાવિત કરારમાં ઈરાની બંદરો પરની અમેરિકી નાકાબંધી હટાવવી, 60 દિવસનું યુદ્ધવિરામ લાગુ કરવું અને આગળની ચર્ચાઓ માટે માર્ગ મોકળો કરવાનો સમાવેશ થાય છે. પરમાણુ મુદ્દે ચર્ચા બીજા તબક્કામાં કરવામાં આવશે.

આ દરમિયાન મધ્ય પૂર્વમાં તણાવ યથાવત્ છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હિઝબુલ્લાએ પણ ઉત્તર ઇઝરાયલ પર હુમલાઓ કર્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

ઉપરાંત, ઓમાન નજીક એક તેલ ટેન્કર પર રોકેટ હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે પર્યાવરણીય નુકસાન થયું નથી અને જહાજ તેની મુસાફરી ચાલુ રાખવામાં સફળ રહ્યું હોવાનું જણાવાયું છે.


આ પણ વાંચો : અમેરિકામાં મોંઘવારી આકાશે આંબી છતાં ટ્રમ્પ બોલ્યા- ‘મને મોંઘવારી બહુ પસંદ છે’, વિપક્ષ લાલઘૂમ

આ પણ વાંચો : ઇરાનના સુપ્રીમ લીડરનો મોટો દાવો- ‘પશ્ચિમ એશિયામાં અમેરિકાનો પ્રભાવ હવે પૂરો, સાથી દેશો ભરોસો છોડી દે’

આ પણ વાંચો : ટ્રમ્પની ઈરાન સામે મોટા હુમલાની ચેતવણી,અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ