Surat News: પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાં કથિત રીતે અપહરણનો ભોગ બનેલા સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી (Dhiru Ramani) હવે મુક્ત થયા હોવાની માહિતી સામે આવી છે. પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, તેમની મુક્તિ માટે અંદાજે 4 મિલિયન યુરો (લગભગ ₹44 કરોડ)ની રકમ ચૂકવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ રકમ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.
ધીરૂ રામાણી છેલ્લા ત્રણ મહિના દરમિયાન માલીમાં ગુમ થયા હતા. શરૂઆતમાં અપહરણકારોએ આશરે ₹100 કરોડની ખંડણીની માંગણી કરી હોવાનું પરિવારના સૂત્રોએ દાવો કર્યો હતો. લાંબી વાટાઘાટો બાદ તેઓ અને તેમની સાથે રહેલા અન્ય બે ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે મુક્ત થયા હોવાની માહિતી સામે આવી છે.
વીડિયો કોલથી મળ્યા હતા Dhiru Ramani જીવતા હોવાના પુરાવા
પરિવારના જણાવ્યા મુજબ, અપહરણ (Kidnapping) બાદ ધીરૂ રામાણી અને અન્ય બે ભારતીયો જીવતા છે તેની ખાતરી કરવા માટે અપહરણકારોએ વીડિયો કોલ કરાવ્યો હતો. આ વીડિયો કોલ બાદ અમેરિકામાં રહેતા પરિવારજનો દ્વારા સતત વાટાઘાટો કરવામાં આવી હતી. ત્યારબાદ મુક્તિ માટે સમજૂતી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
હીરા ઉદ્યોગથી ગોલ્ડ માઇનિંગ સુધીની સફર
ધીરૂ રામાણી (Dhiru Ramani) વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સુરતમાં તેમનું મજબૂત ડાયમંડ નેટવર્ક છે, જ્યારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં તેમની ‘રામાણી એક્સપોર્ટ’ નામની કંપની, ડાયમંડ ફેક્ટરી અને જ્વેલરી શોરૂમ્સ કાર્યરત હોવાનું જાણવા મળે છે. તેમના પુત્રો અમેરિકાના નાગરિક છે અને આંતરરાષ્ટ્રીય હીરા બજારમાં પરિવારની નોંધપાત્ર ઓળખ છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ધીરૂ રામાણીએ માલીમાં ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું અને છેલ્લા બે વર્ષથી તેઓ ત્યાં રહીને પ્રોજેક્ટનું સંચાલન કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ રહસ્યમય રીતે ગુમ થયા હતા.
વેપારી વર્તુળમાં રાહત
ધીરૂ રામાણી (Dhiru Ramani)ના મુક્ત થયાના સમાચાર સામે આવતા સુરતના હીરા ઉદ્યોગ અને વેપારી વર્તુળમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમની ગેરહાજરી દરમિયાન વિદેશમાં વેપાર કરતા ગુજરાતના અનેક ઉદ્યોગપતિઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધી હતી.
આ પણ વાંચો:સુરતના હીરા ઉદ્યોગપતિ ધીરૂ રામાણી માલીમાં લાપતા, ₹100 કરોડની ખંડણીની આશંકા; પરિવારની વાટાઘાટો ચાલુ
આ પણ વાંચો:107 કરોડના ટર્નઓવરવાળા ઉદ્યોગપતિ ચિરાગ ગોટીની ધરપકડ, પીડિતો આવ્યા સામે
