Vadodara News: વડોદરાની વિવાદાસ્પદ જમીન ફાળવણી મામલે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં ચાલી રહેલા કેસમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણ (Yusuf Pathan Land Case)ને રાહત તો મળી છે, પરંતુ કોર્ટ તરફથી કડક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. હાઈકોર્ટે તેમને વધુ 4 અઠવાડિયાનો સમય આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જેટલું મોડું કરશો એટલો દંડ વધુ થશે, કારણ કે વર્ષ 2014થી જમીન પર તમારો અનધિકૃત કબજો છે.”
જમીન ખાલી કરવાના સિંગલ જજના ચુકાદા સામે યુસુફ પઠાણે (Yusuf Pathan Land Case) ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી છે. સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી વધુ સમય માગતી સિવિલ અરજી રજૂ કરવામાં આવી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને જમીન ફાળવવાની સરકારની નીતિ સંબંધિત દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે સમયની જરૂર છે.
આ દરમિયાન હાઈકોર્ટે સમય મંજૂર કર્યો, પરંતુ સાથે ચેતવણી પણ આપી કે લાંબા સમયથી પ્લોટ તેમના કબ્જામાં હોવાના કારણે વિલંબની અસર દંડ પર પડશે.
Yusuf Pathan Land Case: શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા આશરે 978 ચોરસ મીટરના પ્લોટને લઈને છે. વર્ષ 2012માં યુસુફ પઠાણે આ જમીન મેળવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ માર્કેટ કિંમતે જમીન ફાળવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો અને સામાન્ય સભાએ પણ તેને સમર્થન આપ્યું હતું.
જો કે અંતિમ મંજૂરી માટે મોકલાયેલી દરખાસ્ત રાજ્ય સરકારે સ્વીકારી નહોતી. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન ફાળવવાની અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ VMCએ પણ જાહેર હરાજી વિના 99 વર્ષની લીઝ પર પ્લોટ આપવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો અને પ્લોટ પરનું દબાણ દૂર કરવા સૂચના આપી હતી.
હાઈકોર્ટમાં શું રજૂઆત થઈ?
યુસુફ પઠાણે (Yusuf Pathan Land Case) રાજ્ય સરકાર અને VMCના નિર્ણયોને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે VMC એક સ્વાયત્ત સંસ્થા હોવાથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી નથી.
પરંતુ સિંગલ જજની બેન્ચે નોંધ્યું હતું કે અરજદાર પાસે પ્લોટ ફાળવણીનો કોઈ કાયદેસર આદેશ કે દસ્તાવેજ નથી, છતાં સ્થળ પર બાઉન્ડ્રી વોલ અને અન્ય માળખાં ઉભા કરીને કબજો જમાવવામાં આવ્યો હતો. કોર્ટે તેને અનધિકૃત દબાણ ગણાવ્યું હતું.
અગાઉ હાઈકોર્ટે શું કહ્યું હતું?
આ કેસની અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સવાલ કર્યો હતો કે જ્યારે માત્ર પ્રસ્તાવ મંજૂર થયો હતો અને જમીનનું સત્તાવાર એલોટમેન્ટ થયું નહોતું, ત્યારે પ્લોટ પર કબજો કેવી રીતે મેળવવામાં આવ્યો?
કોર્ટે વધુમાં કહ્યું હતું કે જો કોઈ અધિકારીએ કબજો આપ્યો હોય તો તેનું નામ જણાવવામાં આવે જેથી તેની સામે તપાસનો આદેશ આપી શકાય. સાથે જ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાસેથી આવી વર્તણૂકની અપેક્ષા રાખી શકાય નહીં.
હાલ કેસની આગામી સુનાવણી સુધી યુસુફ પઠાણ (Yusuf Pathan Land Case)ને વધુ 4 અઠવાડિયાનો સમય મળ્યો છે. હવે કોર્ટ સમક્ષ રજૂ થનારા દસ્તાવેજો અને દલીલો પર આ મામલાનો આગળનો નિર્ણય આધારિત રહેશે.
આ પણ વાંચો:યુસુફ પઠાણને HCની કડક ટકોર, જમીન ખાલી કરો નહીં તો દંડ
આ પણ વાંચો:50 વર્ષ સુધી ભાજપ જ રહેશે”, TMC સાંસદ યુસુફ પઠાણના નિવેદનથી બંગાળ ચૂંટણીમાં મચ્યો હોબાળો
આ પણ વાંચો:વડોદરા મનપાની 84 કરોડની જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણનું દબાણ!
