Pakistan Air Force Training Aircraft Crash: પાકિસ્તાનની સેનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના મરદાન જિલ્લામાં રવિવારે સૈન્યનું એક તાલીમ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માત કટલંગ રોડ નજીક આવેલા જાબર નહેર વિસ્તારમાં બન્યો હતો. વિમાન ધરાશાયી થતાં જ ઘટનાસ્થળે આગનો ભડકો અને ધુમાડાના ગોટેગોટા ઊઠ્યા હતા.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થયેલા ફૂટેજમાં જોવા મળે છે કે રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે અચાનક વિમાન નિયંત્રણ ગુમાવીને સીધું રસ્તા પર તૂટી પડ્યું. વિમાન જમીન સાથે અથડાતાં જ રસ્તા પર આગની લાંબી લાઇન સર્જાઈ ગઈ હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર બંને પાયલટોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી માટેની ટીમો તેમજ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિસ્તારને કોર્ડન કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
દુર્ઘટનાના કારણો અંગે પાકિસ્તાની સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે. ઘટનાના CCTV વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માત સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઈકસવારોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, જોકે ફૂટેજમાં તેમની બાઇકો રસ્તા પર પડેલી જોવા મળે છે.
