Gujarat Border Village Visit: પાકિસ્તાન સરહદને અડીને આવેલા ગુજરાતના સીમાવર્તી વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવા માટે રાજ્ય સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના 8 ઉચ્ચ આઈપીએસ (IPS) અધિકારીઓ આગામી 11 અને 12 જૂનના રોજ પાકિસ્તાન સરહદ સાથે સ્પર્શતા ગુજરાતના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે. બે દિવસના આ વિશેષ પ્રવાસ દરમિયાન આ ઉચ્ચ અધિકારીઓ વાવ-થરાદ (બનાસકાંઠા), પાટણ અને કચ્છ જિલ્લાના 16 બોર્ડર વિલેજિસ (સરહદી ગામો) ની મુલાકાત લેશે એટલું જ નહીં, પરંતુ ત્યાં જ સ્થાનિક ગ્રામજનોના ઘરે રાત્રિ રોકાણ પણ કરશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ દેશની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો અને સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે.

કયા IPS અધિકારી કયા સરહદી ગામની લેશે મુલાકાત?
આ વિશેષ બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ અંતર્ગત એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) થી લઈને ડીઆઈજીપી (DIGP) કક્ષાના અધિકારીઓને અલગ-અલગ ગામોની જવાબદારી સોંપવામાં આવી છે:
ADGP વાબંગ જમીર: વાવ-થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામ.
ADGP અજયકુમાર ચૌધરી: કચ્છ (ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામ.
IGP બિપિન શંકરરાવ આહિરે: પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા ગામ.
DIGP એ.એમ.મુનિયા: વાવ-થરાદ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામ.
DIGP કે.એન.ડામોર: કચ્છ (વેસ્ટ) જિલ્લાના જુના અને દેઢીયા ગામ.
DIGP ડો.લીના પાટીલ: કચ્છ (વેસ્ટ) જિલ્લાના ઉધમો અને પટાગર ગામ.
ACP આર.ટી.સુસરા: કચ્છ (વેસ્ટ) જિલ્લાના પુંરાજપુર અને ગુનાઉ ગામ.
DIGP સુધા એએસ. પાંડે: કચ્છ (વેસ્ટ) જિલ્લાના દીનારા અને ભીતારા મોટા ગામો.
Border પર યોજાશે ‘રાત્રીસભા’ અને ‘લોકસંવાદ’
રાજ્યના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, આ બે દિવસીય બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ કોઈ સામાન્ય કે ઔપચારિક સરકારી મુલાકાત નથી, પરંતુ સરહદ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટેની એક અત્યંત સઘન કવાયત છે. આ મુલાકાત દરમિયાન તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરહદ પર તૈનાત વિવિધ સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને એલર્ટનેસની જાતે ચકાસણી કરશે. આ ઉપરાંત, દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનો સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધારશે. સૌથી મહત્વની બાબત એ છે કે, અધિકારીઓ ગામડાઓમાં ‘રાત્રીસભા’ યોજીને સ્થાનીક ગ્રામજનો સાથે લોકસંવાદ કરશે અને સરહદી સુરક્ષાને લગતા સ્થાનિક પડકારો તેમજ પ્રશ્નોની ઉંડાણપૂર્વક સમીક્ષા કરશે.
સરહદી નાગરિકો બનશે દેશના ‘સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ’
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ અભિગમ પાછળ દેશની સીમાઓ પર વસતા નાગરિકોને સુરક્ષાનો અહેસાસ કરાવવાનો મોટો આશય છે. સરહદી ગામોના લોકો રાષ્ટ્ર સુરક્ષામાં ‘સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ’ (સુરક્ષાની બીજી હરોળ) તરીકે કામ કરે છે. ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ પોતે જ્યારે દેશની છેલ્લી સરહદે આવેલા ગામડાઓમાં સામાન્ય નાગરિકોના ઘરે રાતવાસો કરશે, ત્યારે સ્થાનિકોનો પોલીસ અને વહીવટી તંત્ર પરનો ભરોસો વધુ મજબૂત થશે. ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી અને દેશવિરોધી પ્રવૃત્તિઓ રોકવા માટે આ પ્રકારનો લોકસંવાદ આગામી દિવસોમાં ખૂબ જ કારગત નીવડશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત ગૃહ વિભાગનો મોટો નિર્ણય! નવી ‘બનાસકાંઠા રેન્જ’ની સ્થાપના, મોરબી હવે બોર્ડર રેન્જમાં
આ પણ વાંચો: કચ્છ બોર્ડર પર એલર્ટ: BSFએ ઝડપી પાકિસ્તાની બોટ, ડ્રગ્સ અને ડ્રોન બાદ સુરક્ષા સઘન
આ પણ વાંચો: કચ્છ બોર્ડર પર હવે 24 કલાક મળશે વીજળી, વાવાઝોડામાં પણ પાવર નહીં થાય ગુલ
