Gandhinagar News : ગુજરાતની ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન પશુપાલન વ્યવસાયને વધુ વેગ આપવા અને પશુપાલકોના કૌશલ્યને બિરદાવવા માટે આવતીકાલ તા. 6 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) ખાતે ‘શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ’ (Best Livestock Breeder Award)વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી જીતુ વાઘાણી અને પશુપાલન રાજ્ય મંત્રી રમેશ કટારા ખાસ ઉપસ્થિત રહીને વિજેતાઓને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરશે.
આધુનિક ટેકનોલોજી અને પશુ સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓના સંગમ દ્વારા જે પશુપાલકોએ દૂધ ઉત્પાદન અને પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કર્યા છે, તેમને આ મંચ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર (Best Livestock Breeder Award) યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર પશુપાલકોને એવોર્ડની સાથે-સાથે પ્રોત્સાહન માટે ક્રમશ: રૂ. 1,00,000, રૂ. 51,000 અને રૂ. 31,000ની પ્રોત્સાહક રાશિ પણ એનાયત કરવામાં આવશે.
Best Livestock Breeder Award યોજના અંતર્ગત વિજેતાઓને પ્રોત્સાહક રાશિ અપાશે
આ ઉપરાંત દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પશુપાલકોને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર પશુપાલકને રૂ. 25,000 અને દ્વિતીય ક્રમે આવનાર પશુપાલકને રૂ. 20,000ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે. તેવી જ રીતે, તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ. 20,000 અને દ્વિતીય ક્રમ હાંસલ કરનાર પશુપાલકને રૂ.10,000ની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે.
Best Livestock Breeder Award યોજના અંતર્ગત કુલ રૂ. 91,00,000થી વધુની પ્રોત્સાહક રાશિ એનાયત કરાશે
આમ, શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર (Best Livestock Breeder Award)યોજના અંતર્ગત આવતીકાલે રાજ્ય કક્ષાએ વિજેતા બનેલા કુલ 3, જિલ્લા કક્ષાએ વિજેતા બનેલા કુલ 66 અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા કુલ 496 પશુપાલકો મળી સમગ્ર રાજ્યના કુલ 565પશુપાલકોને કુલ રૂ. 91,00,000થી વધુની પ્રોત્સાહક રાશિ એનાયત કરવામાં આવશે.
