Gandhinagar News/ ગુજરાત ગૃહ વિભાગનો મોટો નિર્ણય! નવી ‘બનાસકાંઠા રેન્જ’ની સ્થાપના, મોરબી હવે બોર્ડર રેન્જમાં

New Banaskantha Police Range: ગુજરાત ગૃહ વિભાગે કાયદો અને વહીવટી સુગમતા માટે બોર્ડર રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની સ્થાપના કરી છે. મોરબીને હવે બોર્ડર રેન્જમાં મૂકાયો છે.

Gandhinagar Top Stories Gujarat
New Banaskantha Police Range

New Banaskantha Police Range: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગાંધીનગરની દરખાસ્તને લીલી ઝંડી આપતાં સરકારે વર્ષો જૂની ‘બોર્ડર રેન્જ’ (ભુજ-કચ્છ)નું વિભાજન કરવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. આ વિભાજન સાથે જ રાજ્યમાં નવીન ‘બનાસકાંઠા રેન્જ’ અસ્તિત્વમાં આવી છે, જેનું મુખ્ય મથક પાલનપુર ખાતે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, વહીવટી સુગમતા વધારવા માટે મોરબી જિલ્લાને રાજકોટ રેન્જમાંથી હટાવીને હવે બોર્ડર રેન્જમાં સમાવી લેવાયો છે.

શા માટે આ ઐતિહાસિક વિભાજન અનિવાર્ય બન્યું?

વર્ષ 1995-95માં તત્કાલીન રાજકોટ રેન્જનું વિભાજન કરીને બોર્ડર રેન્જની રચના કરવામાં આવી હતી. આ બોર્ડર રેન્જના તાબા હેઠળ પશ્ચિમ કચ્છ (ભુજ), પૂર્વ કચ્છ (ગાંધીધામ), પાટણ અને બનાસકાંઠા એમ ચાર મોટા જિલ્લાઓ આવતા હતા. આ તમામ વિસ્તારો પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં 406.87 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને 238 કિલોમીટરનો દરિયાઈ સરહદી વિસ્તાર સામેલ છે.

ભૌગોલિક દ્રષ્ટિએ આ આખી રેન્જનો વિસ્તાર અંદાજે 550 કિલોમીટર જેટલો અત્યંત વિશાળ હોવાથી છેવાડાના પોલીસ સ્ટેશનો પર સઘન દેખરેખ રાખવી અને કાયદો-વ્યવસ્થાનું સીધું નિરીક્ષણ કરવું વહીવટી રીતે ઘણું મુશ્કેલ બનતું હતું. આ સાથે જ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવનિર્મિત ‘વાવ-થરાદ’ જિલ્લો કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ સુરક્ષાલક્ષી પાસાઓ અને કામગીરીનું ભારણ ઘટાવવા માટે નવી રેન્જ બનાવવી અનિવાર્ય બની હતી.

મોરબી જિલ્લાની કરાઈ ફેરબદલ

રાજકોટ રેન્જ હેઠળ આવતો મોરબી જિલ્લો ભૌગોલિક રીતે સરહદી કચ્છ જિલ્લાને અડીને આવેલો છે. આથી વહીવટી સંકલન અને કનેક્ટિવિટી વધુ સરળ બને તેવા હેતુથી મોરબી જિલ્લાને હવે રાજકોટ રેન્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે અને તેનો સમાવેશ ‘બોર્ડર રેન્જ’માં કરવામાં આવ્યો છે.

New Banaskantha Police Range

ગુજરાત Police રેન્જનું નવું વહીવટી માળખું

ગૃહ વિભાગના નવા સત્તાવાર ઠરાવ અનુસાર, હવે ત્રણેય પ્રભાવિત રેન્જ હેઠળ આવતા જિલ્લાઓની પુનઃવહેંચણી નીચે મુજબ ગોઠવવામાં આવી છે:

1. બોર્ડર રેન્જ (ભુજ) 2. રાજકોટ રેન્જ 3. નવીન બનાસકાંઠા રેન્જ (મુખ્ય મથક: પાલનપુર)
(1) પશ્ચિમ કચ્છ-ભુજ (1) રાજકોટ ગ્રામ્ય (1) બનાસકાંઠા-પાલનપુર
(2) પૂર્વ કચ્છ-ગાંધીધામ (2) જામનગર (2) પાટણ
(3) મોરબી (3) દેવભૂમિ દ્વારકા (3) વાવ-થરાદ
(4) સુરેન્દ્રનગર

વહીવટી સુધારાથી સરહદો થશે વધુ સુરક્ષિત

આ વહીવટી પુનર્ગઠનથી ખાસ કરીને ગુજરાતના આંતરરાષ્ટ્રીય અને સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં પોલીસિંગ વધુ સઘન અને આધુનિક બનશે. બનાસકાંઠા, પાટણ અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાઓ માટે અલગ બનાસકાંઠા રેન્જ બનવાથી સ્થાનિક સ્તરે ગુના નિયંત્રણ, આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરી રોકવી અને કાયદો-વ્યવસ્થા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધી અને ત્વરિત દેખરેખ રાખી શકશે. સરકારનો આ નિર્ણય લાંબા ગાળે ગુજરાતની આંતરિક અને સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ વેગવંતી બનાવવામાં માઈલસ્ટોન સાબિત થશે.


આ પણ વાંચો: રાજકોટ કન્ટ્રોલરૂમના ACP વી.જી. પટેલ બરતરફ, નિવૃત્તિના એક દિવસ પહેલા ગૃહ વિભાગનો મોટો નિર્ણય

આ પણ વાંચો:  ‘આઈ લવ મુહમ્મદ’ વિવાદ, બરેલીમાં 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ, ગૃહ વિભાગની ચેતવણી

આ પણ વાંચો: ગુજરાતમાં ગન લાઈસન્સ મુદ્દે મોટા સમાચાર : ગન લાઈસન્સ પર ગૃહ વિભાગે લગાવી બ્રેક