Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે થયેલા દુર્વ્યવહારના મામલે આખરે મહિલા PSI સોનલ રાઠોડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાના ચાર દિવસ બાદ ગ્રામ્ય એસપીએ PSIને સસ્પેન્ડ (PSI Suspended)કરવાનો નિર્ણય લીધો છે. ઘટનાને લઈને રાજ્યભરમાં ચર્ચા જાગી હતી અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા હતા.
ઘટનાના ચાર દિવસ બાદ ગ્રામ્ય એસપીએ PSIને સસ્પેન્ડ (PSI Suspended)કરવાનો નિર્ણય લીધો

મળતી માહિતી મુજબ, અમદાવાદના પંચવટી વિસ્તારમાં PCO અને નાની કેબિન ચલાવી જીવનનિર્વાહ કરતા ગોપાલભાઈ દરજી બંને આંખે જોઈ શકતા નથી. ગોપાલભાઈના જણાવ્યા અનુસાર, તેમની કેબિન પર કેટલાક શખ્સો વારંવાર પેકેટ તોડી જતા હોવાથી તેઓ સતર્ક રહેતા હતા. દરમિયાન એક બાળકનો હાથ પકડી લેતાં તેને સામાન્ય ઈજા પહોંચી હતી.
આ ઘટનાની જાણ બાળકના પરિવાર સુધી પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ પોલીસ ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ગોપાલભાઈનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં હાજર PSI સોનલ રાઠોડે તેમની સાથે મારપીટ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તેમને થપ્પડ, લાતો તેમજ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.
ઘટના બાદ બીજા જ દિવસે મહિલા PSI પીડિતના ઘરે પહોંચી હતી અને સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો સમક્ષ તેમણે પોતે ‘ગિલ્ટી ફીલ’ કરતી હોવાની વાત પણ કરી હતી. જોકે, સમગ્ર ઘટનાની ચર્ચા વધતા અને પીડિત પરિવાર દ્વારા ન્યાયની માંગ ઉઠતા પોલીસ વિભાગ પર કાર્યવાહીનું દબાણ વધ્યું હતું.
ગોપાલભાઈ દરજીએ પોલીસ સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. અંતે સમગ્ર મામલાની ગંભીરતા અને ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ (PSI Suspended)કરવામાં આવ્યા છે.
હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પીડિત પરિવાર ન્યાયની માંગ પર અડગ છે.
