Gujarat News: આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)ની કાનૂની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ધમકી આપવાના કેસમાં સાત વર્ષની સજાનો સામનો કરી રહેલા વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આ વચ્ચે હવે તેમની સામે નોંધાયેલા અન્ય એક કેસમાં ભરૂચ કોર્ટે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે.
Chaitar Vasavaને ભરૂચ કોર્ટે સમન્સ પાઠવ્યું
માહિતી અનુસાર, જુલાઈ 2024 દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં ગુજરાત પોલીસ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને આ કેસ નોંધાયો હતો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava)ના નિવેદનોથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠા અને જાહેર છબીને નુકસાન પહોંચ્યું હતું. તે સમયના ભરૂચ જિલ્લા પોલીસ વડાના અહેવાલના આધારે કોર્ટ સમક્ષ ફરિયાદ રજૂ કરવામાં આવી હતી.
આ કેસમાં અગાઉ 23 જૂનના રોજ હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેની યોગ્ય બજવણી થઈ ન હોવાનું સરકારી પક્ષ દ્વારા કોર્ટને જણાવાયું હતું. જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ રજૂઆત કરતાં કોર્ટે આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા માટે આગામી સુનાવણી 29 જુલાઈના રોજ નક્કી કરી છે.
ચૈતર વસાવા (Chaitar Vasava) આદિવાસી વિસ્તારોમાં મજબૂત રાજકીય પ્રભાવ ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. જોકે, તાજેતરમાં વનકર્મીઓ પર હુમલાના કેસમાં નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં તેમની પત્ની શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને સાત વર્ષની કેદ અને રૂ. 25 હજાર દંડની સજા ફટકારવામાં આવી છે. તમામ આરોપીઓમાં ચાર મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે.
ચુકાદા બાદ ચૈતર વસાવા (Chaitar Vasava) અને તેમની પત્નીને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સજાના કારણે તેમના ધારાસભ્ય પદ પર પણ અસર પડી શકે છે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
હવે પોલીસ તંત્રની છબી ખરડવાના કેસમાં 29 જુલાઈએ થનારી સુનાવણી પર સૌની નજર છે. કોર્ટ સમક્ષ ચૈતર વસાવા પોતાનો પક્ષ કેવી રીતે રજૂ કરે છે અને આ કેસમાં આગળ શું વળાંક આવે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર સસ્પેન્સ, પૂર્ણેશ મોદીનો દાવો- સજા સાથે જ પદ ગુમાવ્યું
આ પણ વાંચો:ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં? 7 વર્ષની સજા બાદ કાનૂની પ્રક્રિયા પર સૌની નજર
આ પણ વાંચો:વનકર્મી હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત, 7 વર્ષની જેલ અને ₹25 હજાર દંડ
