Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન (Jangleshwar Demolition) ઓપરેશન બાદ હવે તેની કામગીરી કરતાં વધુ ખર્ચના બિલોને લઈને ચર્ચા શરૂ થઈ છે. ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર પાછળ 12.40 લાખનો ખર્ચ અને મંડપ સર્વિસ પાછળ 6.70 લાખના થયેલા ખર્ચ અંગે વિવિધ સવાલો ઉઠતા સમગ્ર મામલો રાજકીય રંગ પકડતો જોવા મળી રહ્યો છે.
Jangleshwar Demolition: ચા-પાણીના બિલે મચાવ્યો વિવાદ!
માહિતી અનુસાર, ડિમોલિશન (Jangleshwar Demolition) કામગીરી દરમિયાન ભોજન અને નાસ્તા ઉપરાંત મિનરલ વોટર તથા મંડપ વ્યવસ્થા પાછળ લાખો રૂપિયાનું બિલ રજૂ થયું હોવાનું સામે આવ્યું છે. રજૂ થયેલા દસ્તાવેજોને આધારે કેટલાક લોકોએ ખર્ચની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
આ મામલે સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ જણાવ્યું કે ડિમોલિશન (Jangleshwar Demolition) દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો હતો, ત્યારે આટલો મોટો ખર્ચ કેવી રીતે થયો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમણે સમગ્ર ખર્ચની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે.
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભાજપ (BJP)ના પૂર્વ શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવાએ પણ ખર્ચના આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે જાહેરમાં જણાવ્યું કે પોતાના અનુભવ મુજબ દર્શાવવામાં આવેલ ખર્ચ અસામાન્ય જણાય છે અને સમગ્ર હિસાબની પારદર્શક તપાસ થવી જોઈએ.
બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના આરોગ્ય વિભાગે આક્ષેપોને નકારી કાઢ્યા છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ડિમોલિશન (Jangleshwar Demolition) દરમિયાન ત્રણ દિવસ સુધી વિવિધ વિભાગોના અંદાજે 4,800થી વધુ કર્મચારીઓ સ્થળ પર ફરજ બજાવી રહ્યા હતા, જેમના માટે ચા-નાસ્તા અને જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી કે કોઈ પણ પ્રકારનું વિશેષ અથવા વૈભવી ભોજન મંગાવવામાં આવ્યું નહોતું અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલા કેટલાક દાવા હકીકતથી દૂર છે.
હાલ સમગ્ર મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. ખર્ચની પ્રક્રિયા, બિલોની વિગતો અને રજૂ થયેલા આક્ષેપોની સત્યતા અંગે જો કોઈ સત્તાવાર તપાસ હાથ ધરાશે તો સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા સામે આવી શકે છે.
આ પણ વાંચો:જંગલેશ્વર ડિમોલિશનના ₹27.20 લાખના ખાણીપીણી બિલ પર સવાલ, દરખાસ્ત પેન્ડિંગ
આ પણ વાંચો:સુરત ડિમોલિશન કાંડ મુદ્દે ભાજપ ઘેરાયું, પત્રકારોના સવાલો વચ્ચે નેતાઓએ ટાળ્યા સીધા જવાબ
આ પણ વાંચો:નાસીરનગર ડિમોલિશન વિવાદમાં પાલિકાનો ખુલાસો: ‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી’
