Rajkot News/ જંગલેશ્વર ડિમોલિશનના ₹27.20 લાખના ખાણીપીણી બિલ પર સવાલ, દરખાસ્ત પેન્ડિંગ

રાજકોટના જંગલેશ્વર મેગા ડિમોલિશન (Jangleshwar Demolition) દરમિયાન થયેલા ₹27.20 લાખના ખાણીપીણીના બિલમાં ગેરરીતિની આશંકા વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત પેન્ડિંગ રાખી છે. બિલમાં કાજુ કતરી અને ખજૂર રોલના ખર્ચે પણ ચર્ચા જગાવી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Jangleshwar Demolition:કાજુ કતરી અને ખજૂર રોલના બિલથી સ્ટેન્ડિંગ ચેરમન પણ ચોંક્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જંગલેશ્વર મેગા ડિમોલિશન (Jangleshwar Demolition) દરમિયાન થયેલા ખાણીપીણીના ખર્ચને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ડિમોલિશન કામગીરી દરમિયાન થયેલા કુલ ₹27.20 લાખના ખાણીપીણીના બિલને લઈને સવાલો ઉભા થતાં સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્ત હાલ પૂરતી પેન્ડિંગ રાખવાનો નિર્ણય કર્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 9 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાંથી 6 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 2 દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી હતી અને એક દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી. પેન્ડિંગ રાખવામાં આવેલી દરખાસ્તોમાં જંગલેશ્વર ડિમોલિશન (Jangleshwar Demolition)નું ખાણીપીણી બિલ અને મચ્છર નિયંત્રણ માટે ડ્રોનના ઉપયોગની દરખાસ્તનો સમાવેશ થાય છે.

Jangleshwar Demolition: ₹34,650ની કાજુ કતરી!

ખાસ કરીને ડિમોલિશન (Jangleshwar Demolition) દરમિયાન થયેલા ખાણીપીણીના ખર્ચમાં કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મીઠાઈઓ માટે ₹34,650નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિગતો સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. ડિમોલિશન કામગીરી દરમિયાન આ પ્રકારની મીઠાઈઓનો ઉપયોગ કોણે કર્યો અને આટલો ખર્ચ કેવી રીતે થયો તે મુદ્દે સવાલો ઉભા થયા છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયાના જણાવ્યા મુજબ સમગ્ર બિલની વધુ તપાસ કરવામાં આવશે અને તમામ વિગતો ચકાસ્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. ગેરરીતિની કોઈ આશંકા હોય તો તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.

આ ઉપરાંત બેઠકમાં મચ્છર નિયંત્રણ માટે ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાની અંદાજે ₹85 લાખની દરખાસ્ત પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે ગ્રીન અર્બન પોલિસીની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી.

બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. હવે મનપાના કોઈપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેના બિલો વધુમાં વધુ બે મહિનાની અંદર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવા ફરજિયાત રહેશે. સમયમર્યાદા બાદ રજૂ થતા બિલોને નાણાકીય ગેરશિસ્ત માનવામાં આવશે અને તેના ચૂકવણાં મંજૂર કરવામાં આવશે નહીં.

મનપા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વહીવટી પારદર્શિતા વધારવાનો, નાણાકીય શિસ્ત જાળવવાનો અને કોન્ટ્રાક્ટરોને સમયસર ચૂકવણું સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.

હાલ જંગલેશ્વર ડિમોલિશનના ખાણીપીણીના બિલને લઈને શહેરમાં ચર્ચા શરૂ થઈ છે અને હવે તપાસ બાદ સમગ્ર મામલે શું ખુલાસો થાય છે તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:1358 પરિવારોના આશિયાના હાલ પૂરતા બચી ગયા! જંગલેશ્વર ડિમોલિશન પર હાઇકોર્ટની રોક

આ પણ વાંચો:રાજકોટમાં મેગા ડિમોલિશન શરૂ, જંગલેશ્વર વિસ્તારમાં 1,400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર ફરશે બુલડોઝર

આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ, સોમવારે 1400થી વધુ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરશે