Ahmedabad News/ પોલીસ ટ્રેકિંગથી બચવા ટેલિગ્રામ-વોટ્સએપનો ઉપયોગ, અમદાવાદમાં MD ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

મુખ્ય આરોપી ઇમરાન પઠાણની ધરપકડ બાદ MP-ગુજરાત ડ્રગ્સ (Drugs)સપ્લાય ચેઇન અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad) શહેરમાં પાર્ટી ડ્રગ્સ (Drugs)તરીકે ઓળખાતા એમડી ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad) શહેરમાં પાર્ટી ડ્રગ્સ (Drugs)તરીકે ઓળખાતા એમડી ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. ઝોન-7 એલસીબીની ટીમે વાસણા વિસ્તારમાંથી ડ્રગ્સ સપ્લાય થવાની ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન મધ્યપ્રદેશના રહેવાસી 36 વર્ષીય સાબિર ઝફર શેખની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી 194.780 ગ્રામ હાઈ-ક્વોલિટી એમડી ડ્રગ્સ (Drugs)જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 2.37 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. ઉપરાંત મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ 5.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે સાબિર શેખ મૂળ મધ્યપ્રદેશના મંદસૌરનો રહેવાસી છે અને સામાન્ય રીતે મસાલા ફેક્ટરી તથા ડ્રાઇવિંગનું કામ કરતો હતો. વધારાની કમાણીની લાલચે તે ડ્રગ્સ સપ્લાય ચેઇન સાથે જોડાયો હતો. મુખ્ય આરોપી અને તેનો જૂનો મિત્ર ઇમરાન પઠાણ તેને દરેક ડિલિવરી બદલ આશરે 5 હજાર રૂપિયા ચૂકવતો હતો.

પોલીસ તપાસમાં એક મહત્વની બાબત સામે આવી છે કે આરોપીઓ પોલીસની નજરથી બચવા માટે માત્ર ટેલિગ્રામ અને વોટ્સએપ કોલિંગ (WhatsApp Calling)નો જ ઉપયોગ કરતા હતા. આ માધ્યમો દ્વારા તેઓ ડ્રગ્સની ડિલિવરી અને સંપર્ક વ્યવસ્થા સંચાલિત કરતા હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ (Ahmedabad)માં ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે મુખ્ય સૂત્રધાર ઇમરાન પઠાણ પાસે સાબિર જેવા અનેક પેડલર્સનું નેટવર્ક હોઈ શકે છે, જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ડ્રગ્સ સપ્લાય કરતા હોય.

હાલ અમદાવાદ પોલીસની વિશેષ ટીમ મધ્યપ્રદેશના મંદસૌર ખાતે તપાસ કરી રહી છે. મુખ્ય આરોપી ઇમરાન પઠાણની ધરપકડ બાદ MP-ગુજરાત ડ્રગ્સ (Drugs)સપ્લાય ચેઇન અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો : NCBની કેમિકલ અને ફાર્મા ઉદ્યોગને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં જોડાવા અપીલ

આ પણ વાંચો : વાવ-થરાદમાં ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થયો