Ahmedabad Weather Update September 2026: અમદાવાદમાં (Ahmedabad Rain)19 સપ્ટેમ્બરની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે શહેરમાં વરસાદી માહોલ હજુ થોડા દિવસ યથાવત રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં સીઝનનો 100 ટકા વરસાદ
અમદાવાદ(Ahmedabad Rain) શહેરમાં આ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 34.85 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સાથે શહેરમાં સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ પૂર્ણ થયો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 28.67 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સરેરાશની સરખામણીએ 108 ટકા છે. 19 સપ્ટેમ્બરના વરસાદ દરમિયાન બાકરોલમાં સૌથી વધુ 1.25 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે લાંભામાં પોણો ઈંચની આસપાસ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વિરમગામ, માંડલ, ધોળકા, ધંધુકા, દેત્રોજ અને દસક્રોઈ સહિતના વિસ્તારોમાં પણ સિઝનનો 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
મેઘમહેરથી જળાશયોમાં પાણીની આવક વધી
ગુજરાતમાં (Ahmedabad Rain) છેલ્લા એક સપ્તાહ દરમિયાન થયેલા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ 69.96 ટકા સુધી પહોંચી ગયો છે. આ પૈકી 43 જળાશયોમાં પાણીનું સ્તર 90 ટકાથી વધુ થઈ ગયું છે. જેના કારણે આ જળાશયોને હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યના 28 જળાશયો હાલમાં સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. રાજ્યના 39 જળાશયોમાં પાણીનો જથ્થો 70થી 100 ટકા વચ્ચે છે. 25 જળાશયોમાં 50થી 70 ટકા અને 41 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. બીજી તરફ 73 જળાશયોમાં હજુ પણ જળસ્તર 25 ટકાથી ઓછું છે.
અનેક જિલ્લાઓના ડેમ છલોછલ
સંપૂર્ણ ભરાયેલા જળાશયોમાં ભાવનગરના પાંચ અને અમરેલીના ચાર જળાશયોનો સમાવેશ થાય છે. જ્યારે બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી અને રાજકોટના બે-બે જળાશયો પણ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર(Ahmedabad Rain) અને તાપીના એક-એક જળાશયમાં પણ 100 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક પર તંત્રની નજર રહેશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં એલર્ટ, નદીઓમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી
આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે કલાકમાં બે ઈંચ વરસાદ, રસ્તાઓ જળબંબાકાર
