Ahmedabad News : શહેરના પાલડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વિરુદ્ધ કાર્યવાહી કરતા એક યુવકને મેફેડ્રોન (MD) ડ્રગ્સ (Drugs) સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 8 ગ્રામ 970 મિલીગ્રામ મેફેડ્રોન, મોબાઇલ ફોન અને મોપેડ સહિત કુલ ₹1.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી પાંચ રસ્તા નજીક છોટા શાહી કબ્રસ્તાન પાસે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન અજીમ ગુલામમોહંમદ મોમીન (ઉંમર 26) નામના યુવકને શંકાસ્પદ હાલતમાં અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપી પાસેથી 8.97 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે ₹89,700 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઉપરાંત એક મોબાઇલ ફોન અને એક મોપેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને ₹1,34,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ છેલ્લા બે મહિનાથી મિર્ઝાપુર-શાહપુર વિસ્તારમાં રહેતા બુરકાન પઠાણ નામના વ્યક્તિ પાસેથી MD ડ્રગ્સ (Drugs) મેળવી અમદાવાદમાં નાના ગ્રાહકોને વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ (Drugs) સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ એનડીપીએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. જેના કારણે તેના ગુનાહિત નેટવર્ક અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
