Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ‘નલ સે જલ’ યોજના (Nal Se Jal Yojana)ને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગામલોકોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા પીવાનું શુદ્ધ પાણી દરેક ઘર સુધી પહોંચાડવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં આજે પણ ગામના એક પણ ઘરમાં નળ દ્વારા પાણી પહોંચતું નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, યોજનાના કામો કાગળ પર પૂર્ણ બતાવીને સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવિક સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ગામલોકોએ હવે જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
વર્ષો પહેલાં નાખાઈ હતી પાઇપલાઇન, આજે પણ પાણીની રાહ
ગામના રહેવાસી પારગી દશરથભાઈ લાલાભાઈના જણાવ્યા મુજબ વર્ષ 2013-14 દરમિયાન ગામમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. ત્યારબાદ ‘નલ સે જલ’ યોજના (Nal Se Jal Yojana) હેઠળ વધુ કામો પણ કરવામાં આવ્યા, પરંતુ આજદિન સુધી કોઈ પણ ઘરમાં પાણી પહોંચ્યું નથી.બોરિયા ગામ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર હોવાથી લોકો આજે પણ પીવાના પાણી માટે દૂર આવેલા કૂવા અને હેન્ડપંપ પર નિર્ભર છે. કેટલાક કૂવાઓનું પાણી દૂષિત હોવાથી ગામલોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
Nal Se Jal Yojana: ક્યાંક માત્ર પાઇપ, ક્યાંક ખોદકામ, તો ક્યાંક માત્ર નળ
સ્થાનિક હિતેશ મછારના જણાવ્યા મુજબ ગામમાં કેટલીક જગ્યાએ માત્ર પાઇપલાઇન નાખવામાં આવી છે, કેટલીક જગ્યાએ ખોદકામ અધૂરું છોડવામાં આવ્યું છે અને અમુક સ્થળોએ માત્ર નળ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ પાઇપલાઇનનું જોડાણ જ કરવામાં આવ્યું નથી.તેમના જણાવ્યા મુજબ, માત્ર નળ લગાવવાથી પાણી આવતું નથી. વાસ્તવિક રીતે એક પણ ઘર સુધી પાણી પહોંચ્યું નથી.
₹2.13 કરોડનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય?
ગામલોકોનો દાવો છે કે આ યોજના માટે અંદાજે ₹2 કરોડ 13 લાખ જેટલી સરકારી રકમ ખર્ચાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. છતાં ગામમાં પાણી પુરવઠાની કોઈ અસરકારક વ્યવસ્થા ઉભી થઈ નથી.ગ્રામજનોનું કહેવું છે કે જો આટલી મોટી રકમ ખર્ચાઈ હોય તો ઓછામાં ઓછા મોટાભાગના ઘરોમાં પાણી પહોંચવું જોઈએ, પરંતુ હાલ લોકો હજુ પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગ્રામજનોના ગંભીર સવાલો
ગામલોકોએ અનેક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા છે.
જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે, ત્યારે એક પણ ઘર સુધી પાણી કેમ પહોંચ્યું નહીં?
કામ અધૂરું હોવા છતાં પૂર્ણતાનું પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવ્યું?
સ્થળ તપાસ કર્યા વગર સરકારી ચૂકવણી કેવી રીતે મંજૂર કરવામાં આવી?
જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થશે?
ઉચ્ચસ્તરીય તપાસની માંગ
ગામલોકોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ યોજનામાં જો કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમનો યોગ્ય ઉપયોગ થાય અને છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તે જ તેમની મુખ્ય માંગ છે.
આ પણ વાંચો:ઘોઘંબામાં Nal Se Jal Yojanaમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ
આ પણ વાંચો:Nal Se Jal Yojanaથી રાપરનું બેલા ગામ વંચિત, પીવાના પાણી માટે વલખાં
આ પણ વાંચો:દાહોદના ગરબાડામાં પાણીની ગંભીર સમસ્યા: નલ સે જલ યોજના નિષ્ફળ ! મહિલાઓ તળાવમાં ઉતરીને પાણી ભરે છે
