Ahmedabad News/ અમદાવાદના ભાજપ કોર્પોરેટરના નામે દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

પ્રાથમિક તપાસમાં વીડિયોમાં ખરેખર દારૂની મહેફિલ (Liquor Party) ચાલી રહી હતી કે નહીં અને તેમાં કોર્પોરેટરની હાજરી હતી કે નહીં તે સ્પષ્ટ થતું નથી

Gujarat Ahmedabad
અમદાવાદના સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્ની ખાનચંદાણીના નામે દારૂની કથિત મહેફિલ (Liquor Party)નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે

Ahmedabad News : અમદાવાદના સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર સન્ની ખાનચંદાણીના નામે દારૂની કથિત મહેફિલ (Liquor Party)નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સરદારનગર પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બીજી તરફ કોર્પોરેટર સન્ની ખાનચંદાણી (Sunny Khanchandani)એ તમામ આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું છે કે તેઓ વીડિયોમાં ક્યાંય દેખાતા નથી અને તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું નહોતું.

સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. ગોહિલે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ભાજપના કોર્પોરેટર (BJP Corporator)ના નામે વીડિયો વાયરલ થયો હોવાની માહિતી મળતા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં વીડિયોમાં ખરેખર દારૂની મહેફિલ (Liquor Party) ચાલી રહી હતી કે નહીં અને તેમાં કોર્પોરેટરની હાજરી હતી કે નહીં તે સ્પષ્ટ થતું નથી. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

સન્ની ખાનચંદાણી (Sunny Khanchandani)એ જણાવ્યું કે તેમના નામે વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં તેઓ ક્યાંય જોવા મળતા નથી. તેમણે કોઈ પાર્ટીનું આયોજન કર્યું નથી અને તેમના નામે ખોટી રીતે વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો છે. આ મામલે તેઓ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિના હાથમાં બોટલ જેવી વસ્તુ જોવા મળે છે, પરંતુ વીડિયો સ્પષ્ટ ન હોવાથી તે શું છે અથવા વીડિયોમાં કોણ છે તેની પુષ્ટિ થઈ શકતી નથી. વીડિયોમાં સિંધી ભાષામાં વાતચીત સંભળાતી હોવાનું પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો સન્ની ખાનચંદાણીના જન્મદિવસની પાર્ટી હોવાનું કહીને શેર કરવામાં આવી રહ્યો છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ વીડિયો વાયરલ (Viral Video) કરનારાઓ સામે સાયબર ક્રાઈમમાં કાર્યવાહી માટે કોર્પોરેટર તરફથી પણ કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગીરના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 11 પુરૂષો અને મહિલાઓ ઝડપાયા, 10 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો : વસ્ત્રાપુરમાં દારૂની મહેફિલ માણતા 3 યુવતી અને 2 યુવકો ઝડપાયા

આ પણ વાંચો : અમદાવાદમાં દારૂની મહેફિલ માણતાં ઝડપાયા મહિલા સહિત 9 શખ્સો