Ahmedabad News: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી સામાજિક આંદોલનોમાં ગણાતા પાટીદાર અનામત આંદોલન (Patidar Andolan)ને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નેતા લાલજી પટેલે (Lalji Patel) આંદોલનની શરૂઆત, હાર્દિક પટેલ (Hardik Patel)ના ઉદય અને બાદમાં બનેલી રાજકીય ઘટનાઓ અંગે અનેક મહત્વપૂર્ણ દાવા કર્યા છે. તેમણે કહ્યું કે આંદોલનનો મૂળ હેતુ પાટીદાર સમાજને OBC અનામતનો લાભ અપાવવાનો હતો, પરંતુ સમય જતાં તેનું નેતૃત્વ અને દિશા બદલાઈ ગઈ.
મહેસાણાથી થઈ હતી આંદોલન (Patidar Andolan)ની શરૂઆત
લાલજી પટેલના જણાવ્યા મુજબ પાટીદાર અનામત આંદોલનની સત્તાવાર શરૂઆત 6 જુલાઈ, 2015ના રોજ મહેસાણામાં મોઢેરા ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીથી થઈ હતી. લગભગ અઢી હજાર લોકોની હાજરીમાં યોજાયેલી આ રેલી બાદ આંદોલન સમગ્ર ગુજરાતમાં ફેલાયું અને રાજ્યના રાજકારણ પર તેની વ્યાપક અસર જોવા મળી.
આંદોલનની મુખ્ય માંગણીઓ
આંદોલન (Patidar Andolan)ની મુખ્ય માંગ પાટીદાર સમાજને અન્ય પછાત વર્ગ (OBC)માં સામેલ કરીને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપવાની હતી. આ ઉપરાંત સમાજના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે પણ વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી.
હાર્દિક પટેલને કોણ લાવ્યું?
લાલજી પટેલે (Lalji Patel) દાવો કર્યો કે હાર્દિક પટેલ (Hardik Patel)ને SPG સાથે જોડનાર તેઓ પોતે હતા. તેમના જણાવ્યા અનુસાર વર્ષ 2012માં મહેસાણામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલ સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. શરૂઆતમાં તેમને વિરમગામ વિસ્તારમાં સમાજ માટે કામ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. બાદમાં તેમના સોશિયલ મીડિયા પ્રત્યેના રસને જોતા SPGના સોશિયલ મીડિયા સેલનું કામ સોંપવામાં આવ્યું હતું.લાલજી પટેલના કહેવા મુજબ, તે સમયે હાર્દિક પટેલ ફેસબુક અને વોટ્સએપ પર પોસ્ટ મૂકવા તેમજ ગ્રુપ સંચાલનમાં સક્રિય હતા અને વર્ષ 2015 સુધી તેઓ મુખ્યત્વે SPGના સોશિયલ મીડિયા સંકલનકર્તા તરીકે જ કામ કરતા હતા.
‘પછી બધું બદલાઈ ગયું’
લાલજી પટેલ (Lalji Patel)ના જણાવ્યા મુજબ જીએમડીસી ગ્રાઉન્ડની ઐતિહાસિક રેલી પહેલાં હાર્દિક પટેલને રાજ્યભરમાં બહુ ઓછી ઓળખ હતી. પરંતુ ત્યારબાદ આંદોલનનું નેતૃત્વ બદલાતું ગયું અને હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો બનીને ઊભર્યા. તેમણે આરોપ લગાવ્યો કે બાદમાં વ્યક્તિગત નિર્ણયો અને રાજકીય દિશાના કારણે આંદોલન પોતાના મૂળ હેતુથી દૂર ચાલ્યું ગયું.
સમાજ સાથે વિશ્વાસઘાતનો આરોપ
લાલજી પટેલે કહ્યું કે તેમને હાર્દિક પટેલ (Hardik Patel) પ્રત્યે વ્યક્તિગત નારાજગી નથી, પરંતુ સમાજ સાથે વિશ્વાસઘાત થયો હોવાનું તેઓ માને છે. તેમના જણાવ્યા મુજબ આંદોલનના નામે કેટલાક લોકોએ રાજકીય કારકિર્દી બનાવી લીધી, જ્યારે આંદોલન માટે બલિદાન આપનારાઓ પાછળ રહી ગયા.
25 ઓગસ્ટની ઐતિહાસિક રેલી
25 ઓગસ્ટ, 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી વિશાળ રેલી બાદ સમગ્ર રાજ્યમાં હિંસક ઘટનાઓ બની હતી. આ ઘટના પછી હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો તરીકે ઉભરી આવ્યા અને ત્યારબાદ PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ની રચના થઈ હતી.
આંદોલનની અસર
સત્તાવાર માહિતી મુજબ આંદોલન (Patidar Andolan) દરમિયાન 14 લોકોના મોત થયા હતા, અનેક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા તેમજ જાહેર અને ખાનગી સંપત્તિને ભારે નુકસાન થયું હતું. હજારો લોકો સામે પોલીસ કેસ નોંધાયા હતા. રાજકીય રીતે પણ આ આંદોલનની અસર એટલી પ્રબળ રહી કે તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પદ છોડવું પડ્યું હતું.
આજે PAASના નેતાઓ ક્યાં છે?
પાટીદાર અનામત આંદોલન દરમિયાન સક્રિય રહેલા ઘણા નેતાઓ બાદમાં રાજકારણમાં પ્રવેશ્યા. હાર્દિક પટેલ હાલમાં ભાજપના વિરમગામના ધારાસભ્ય છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ બાદમાં ભાજપમાં જોડાયા. વરુણ પટેલ અગાઉ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, જ્યારે દિનેશ બાંભણિયા સામાજિક ક્ષેત્રમાં સક્રિય છે. લાલજી પટેલ કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નથી, જ્યારે રેશ્મા પટેલ હાલમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે.લાલજી પટેલ (Lalji Patel)નું કહેવું છે કે પાટીદાર અનામત આંદોલનનું સાચું શ્રેય કોઈ એક વ્યક્તિને નહીં, પરંતુ પોતાના હકો માટે લડનાર અને બલિદાન આપનાર પાટીદાર સમાજના યુવાનોને જ જાય છે.
આ પણ વાંચો:હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન કોંગ્રેસને વેચી દીધુઃ રેશ્મા પટેલ
આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત
આ પણ વાંચો:પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનામાં હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ
