Surat News/ માસૂમ બાળકોની સુરક્ષા રામ ભરોસે, સ્કૂલ રિક્ષામાં બાળકોની જોખમી મુસાફરી

સુરતમાં સ્કૂલ રિક્ષા ચાલકની બેદરકારી, માસૂમ બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો.

Breaking News Gujarat Surat
Negligence of the school rickshaw driver

Surat News: રાજ્યમાં અવરનવાર સ્કૂલ વાનચાલકોની બેદરકારી સામે આવે છે. માસુમ બાળકોના જીવ સાથે રમત કરતા વાન ચાલકો સરેઆમ વાહવ વ્યવહારના નિયમોનો ભંગ કરતા નજરે પડે છે. ત્યારે ફરી એકવાર સુરતમાંથી સ્કૂલ વાનચાલકની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યાં છે. આ દ્રશ્યો બાળકોની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા કરે છે.

સુરતમાં સ્કૂલ વાન ચાલકની બેદરકારી | Negligence of the school rickshaw driver

શહેરમાં કેટલીક સ્કૂલ રિક્ષાઓમાં ક્ષમતા કરતાં અનેકગણા બાળકોને ઠાંસીને બેસાડીને લઈ જવાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક જ રિક્ષામાં 15થી 20 જેટલા બાળકોને બેસાડીને જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવતી હોવાના કારણે વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.

નિયમો મુજબ સ્કૂલ (School)વાહનોમાં નિર્ધારિત ક્ષમતા મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડવાના હોય છે, પરંતુ કેટલાક રિક્ષાચાલકો વધુ કમાણીના હેતુથી ક્ષમતા કરતાં અનેકગણા બાળકોને બેસાડતા હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં કોઈ પણ અચાનક અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ બાળકોની સુરક્ષાને લઈને ઊભો થયો છે. રોજિંદી મુસાફરી દરમિયાન બાળકોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિકો અને વાલીઓનું કહેવું છે.

શાળા અને શાળા સંચાલકો સવાલોના ઘેરામાં

બીજી તરફ કેટલાક શાળા સંચાલકો અને આચાર્યોએ સ્કૂલ રિક્ષા ( School Rickshaw)ના સંચાલનની જવાબદારી પોતાની ન હોવાનું જણાવ્યું છે. તેમનું કહેવું છે કે રિક્ષા ખાનગી રીતે વાલીઓ અને વાહનચાલકો વચ્ચેની વ્યવસ્થા હોવાથી તેમાં શાળાની સીધી જવાબદારી નથી. જોકે આ દલીલ બાદ પણ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની નૈતિક જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે.

શિક્ષણ સમિતિ અને સંબંધિત વિભાગોની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. નિયમોનું પાલન થાય છે કે નહીં, સ્કૂલ વાહનોની નિયમિત તપાસ થાય છે કે નહીં અને ઓવરલોડિંગ સામે કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે.

વાલીઓએ માગ કરી છે કે સ્કૂલ રિક્ષાઓમાં ઓવરલોડિંગ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, નિયમો (School Van Rules)નો કડક અમલ કરાવવામાં આવે અને બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે. કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ તંત્ર જરૂરી પગલાં ભરે તેવી માંગ પણ ઉઠી રહી છે.


આ પણ વાંચો: રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો બેફામ: નિયમો નેવે મૂકી માસૂમોનો જીવ જોખમમાં, વીડિયો વાયરલ થતાં તંત્રની પોલ ખૂલી

આ પણ વાંચો: ગુજરાતના વાલીઓને ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક સ્કૂલની મનમાની સામે આવી, સેવન ડે એડવાન્સ્ટિસ્ટે ખોટી રીતે LC Fee લીધી