Gujarat News/ ગુજરાતમાં મેઘરાજાનો મેગા રાઉન્ડ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અનેક ડેમ ઓવરફ્લો

ગુજરાતમાં ભારે વરસાદને પગલે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, તંત્ર દ્વારા નીચાણવાળા સ્થળોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું, વીજ પુરવઠા ખોરવાયો.

Gujarat Ahmedabad Top Stories Rajkot Breaking News
Heavy rain

Gujarat News: ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. સતત વરસાદને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે, નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠાને નુકસાન પહોંચ્યું છે, તો અનેક સ્થળોએ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર અને રેસ્ક્યૂ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે તંત્ર સંપૂર્ણ સતર્ક બની કામગીરી કરી રહ્યું છે.

 ભારે વરસાદ (Heavy rain)ના પગલે હવામાન વિભાગની આગાહી અને એલર્ટ

 

હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પરિસ્થિતિ પ્રમાણે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ  અને યલો એલર્ટ જાહેર કર્યું છે.જેમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ (Red Alert)જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.

ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડું,  જેવી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા છે. જેવા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  જેમા પોરબંદર, રાજકોટ, બોટાદ, ભરુચ, નર્મદા અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે.

ત્યારબાદ અમદાવાદ. ગાંધીનગર, મહેસાણા, વડોદરા (vadodara), પંચમહાલ, દાહોદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે.

રાજ્યમાં વરસાદની સ્થિતિ

Heavy rain
Heavy rain in Gujarat: Red alert in 8 districts.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 17.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં, સૌરાષ્ટ્રમાં 23.33 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 76.11 ટકા વરસાદ, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 12.35 ટકા અને  સૌથી ઓછો કચ્છમાં માત્ર 0.42 ટકા વરસાદ નોંધાયો છે. મોરબી, નવસારીમાં સામાન્ય તથા સુરત જિલ્લાના ઓલપાડમાં 1.8 ઇંચ વરસાદ નોંધાતા  ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ (ahemdavad)શહેરમાં સરેરાશ 67.91 મીમી વરસાદ નોંધાયો હતો.  શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ઓગણજ, ઓઢવ, નિકોલ, રામોલ, ઉસ્માનપુરા, વાસણા, રાણીપ, સરખેજ, બોડકદેવ, ગોતા અને થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સરેરાશ 16 મીમી વરસાદ નોંધાયો હતો. મહેસાણા તાલુકામાં સૌથી વધુ 50 મીમી, કડીમાં 34 મીમી, વિસનગરમાં 33 મીમી અને વડનગરમાં 10 મીમી વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના સત્તાવાર અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે.

રાજ્યના જળાશય, નદીઓ અને ડેમની સ્થિતિ

ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2.15 લાખ MCFT એટલે કે આશરે 65 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ ૨.૦૯ લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે.

*રાજ્યના 02 ડેમ સંપૂર્ણ 100% ભરાયા છે, 18 ડેમ 70%થી વધુ, 20 ડેમ 50%થી વધુ, 49 ડેમ 25%થી વધુ અને 117 ડેમ 25% કરતા ઓછા ભરાયેલા છે. વર્તમાન જળસપાટીને જોતાં 06 ડેમ ‘હાઇ એલર્ટ’ પર, 07 ડેમ ‘એલર્ટ’ પર અને 07 ડેમ ‘વોર્નિંગ લેવલ’ પર રાખવામાં આવ્યા છે.

 ભાવનગરના મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 10 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ડેમ 90 ટકા ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો પાલિતાણાનો શેત્રુંજી ડેમ (Shetrunji Dam)પણ લગભગ 90 ટકા ભરાયો છે. ડેમમાં 71,810 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. નદીમાં ધસમસતા પ્રવાહને પગલે 17 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને નદી પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ડેમ અને નદીઓની જો વાત કરવામાં આવે તો  ગીર સોમનાથના દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણીની ધારા વહેતી થતાં આસપાસનો વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

જ્યારે અમરેલીના રાજુલા નજીક ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થતા  ધારેશ્વર, ઝાપોદર, નવી અને જૂની માંડરડી સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદથી નુકસાન

રાજ્યમાં સાર્વત્રિત વરસાદ નોંધાયો છે. જેથી નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે. આ વરસાદ ચોમાસુ પાક માટે યોગ્ય ગણાય છે પરંતુ ભારે વરસાદના કારણે જન જીવન પર મોટી અસર પડી છે. જેમા  લોકોના જાનમાલને નુકસાન થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જો નુકસાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે PGVCLને ભારે નુકસાન થયું છે. જેમાં વિભાગના 200 થી વધારે વીજપોલ ક્ષતિગ્રસ્ત થયા છે જેના કારણે 9 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. અને  આસરે 55 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.  ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી સહિત પાંચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

રેસ્ક્યૂ ઓપરેશન

રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાના રહેણાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિ જોતા સ્થાનિક તંત્ર અને બચાવ ટીમ દ્વારા સંયુક્ત  કામગીરી કરવામા આવી રહી છે.નવસારી, જૂનાગઢ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં કુલ 777 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 60 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

બચાવ કામગીરીના ભાગરૂપે રેસક્યૂ ટીમે અમરેલી જિલ્લાના લીલીયાના બવાડી વિસ્તારમાં શેત્રુંજી નદીના પાણીથી ઘેરાયેલા એક પરપ્રાંતિય પરિવારના 8 લોકોનું સફળ રેસક્યૂ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરની સૂચના બાદ મામલતદાર, TDO અને સ્થાનિક તંત્રએ સતત કામગીરી કરીને તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. તો બીજી બાજૂ જાફરાબાદના વઢેરા ગામમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસતાં પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા બાળકો, વૃદ્ધો સહિત અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

NDRF અને SDRFની ટીમો તૈનાત

રાજ્યમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કામગીરી હેઠળ NDRFની ૧૦ અને SDRFની ૨૫ ટીમો મળીને કુલ ૩૫ ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત, તાકીદની જરૂરિયાત માટે NDRFની ૪ અને SDRFની ૮ ટીમોને હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારતીય હવામાન વિભાગની આગાહી અને દરિયામાં સર્જાયેલા કરંટને ધ્યાને રાખીને, રાજ્યના તમામ માછીમારોને આગામી તા.09 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.


આ પણ વાંચો:અમરેલી જિલ્લામાં આકાશી આફત: ભારે વરસાદને પગલે પાંચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર, કલેક્ટરે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો:ગુજરાતમાં 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા

આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં સૌથી વધુ 10.79 ઈંચ નોંધાયો