Gujarat News : ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ (Red Alert)જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ અમલમાં રહેશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ (Heavy Rain)નોંધાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે હોવાથી સ્થાનિક તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન
વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ પુરવઠો ખોરવાવા તેમજ વાહનવ્યવહાર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારો માટે મહત્વની સૂચના
દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. બંદરો પર પણ જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
લોકોને સાવચેત રહેવાની અપીલ
હવામાન વિભાગે ભારે વરસાદ (Heavy Rain)દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી બે દિવસ દરમિયાન વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
