તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાંથી એક હચમચાવી મૂકે તેવી ક્રાઈમ સ્ટોરી સામે આવી છે. અહીં એક પત્ની (WIFE) એ પોતાના આડા સંબંધો આડે આવતા પતિનો કાંટો કાઢવા માટે તમામ હદો વટાવી દીધી. વ્યવસાયે નર્સ એવી પત્નીએ પ્રેમી સાથે મળીને પહેલા તો પતિને અગાશી પરથી નીચે ફેંકી દીધો હતો. જોકે, ગંભીર ઈજાઓ છતાં પતિનો જીવ બચી જતાં, હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા પતિની નસમાં ટોયલેટ ક્લીનરનું ઘાતક ઈન્જેક્શન આપી તેને મોતના ઘાટ ઉતારી દીધો.
એક્સ્ટ્રા મેરિટલ અફેર બન્યું હત્યાનું કારણ
આ ચોંકાવનારી ઘટના નિઝામાબાદ જિલ્લાના મોપાલ મંડલ હેઠળ આવતા ન્યાલાકલ ગામની છે. પોલીસના જણાવ્યા અનુસાર, 35 વર્ષીય પ્રશાંત તાજેતરમાં જ ખાડી દેશમાંથી કમાણી કરીને પોતાના વતન પરત ફર્યો હતો. ઘરે આવ્યા બાદ તેને તેની 32 વર્ષીય પત્ની સંધ્યાના અન્ય યુવક સાથેના અફેરની જાણ થઈ ગઈ હતી. પત્નીના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લીધે ઘરમાં રોજબરોજ ઝઘડા થવા લાગ્યા હતા. પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ બનતા પતિને રસ્તામાંથી હટાવવા માટે સંધ્યાએ તેના પ્રેમી અનિલ અને તેના મિત્ર વેંકટ સાઈ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું.
પહેલા અગાશી પરથી ધક્કો માર્યો, પણ જીવ બચી ગયો
30 જૂનના રોજ આ ત્રણેય આરોપીઓએ પ્રશાંતને પ્લાન મુજબ અતિશય દારૂ પીવડાવ્યો હતો. પ્રશાંત પૂરેપૂરો નશામાં ધૂત થઈ જતાં તેની સાથે મારપીટ કરવામાં આવી અને ત્યારબાદ ઘરની છત પરથી નીચે ધક્કો મારી દેવાયો. આ અકસ્માતમાં પ્રશાંતને ગંભીર ઈજાઓ પહોંચી પરંતુ તેનો જીવ બચી ગયો. ગુના પર પડદો પાડવા માટે આરોપીઓએ જ તેને હોસ્પિટલ ભેગો કર્યો અને તબીબો સમક્ષ એવું નાટક કર્યું કે પ્રશાંત નશાની હાલતમાં જાતે જ છત પરથી નીચે પડી ગયો છે.
નર્સ પત્નીએ મેડિકલ નોલેજનો દુરુપયોગ કરી આપ્યું મોત
સંધ્યા અગાઉ એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી ચૂકી હોવાથી તેને તબીબી સારવારની સારી એવી સમજ હતી. જ્યારે પ્રશાંત હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો, ત્યારે સંધ્યાએ મોકો જોઈને તેના મેડિકલ નોલેજનો ખોટો ઉપયોગ કર્યો. તેણે પ્રશાંતને ચઢાવવામાં આવી રહેલી ડ્રિપ (ગ્લુકોઝની બોટલ) માં એનેસ્થેસિયા અને ઝેરી ટોયલેટ ક્લીનરનું મિશ્રણ ઇન્જેક્ટ કરી દીધું. આ ઝેર શરીરની નસોમાં પ્રસરતાની સાથે જ પ્રશાંતનું કરુણ મોત નીપજ્યું હતું.
માતાની સતર્કતાથી ખુલ્લું પડ્યું પત્નીનું પાપ
પુત્રના અચાનક મોતે સમગ્ર પરિવારને સ્તબ્ધ કરી દીધો હતો, પરંતુ પ્રશાંતની માતાને વહુની હિલચાલ અને પુત્રના મોત પર ઊંડી શંકા ગઈ. તેમણે 1 જુલાઈના રોજ મોપાલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે જ્યારે સંધ્યા, અનિલ અને વેંકટ સાઈની કડકાઈથી પૂછપરછ શરૂ કરી તો ત્રણેય ભાંગી પડ્યા અને ગુનાની કબૂલાત કરી લીધી. પ્રશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શરીરમાં કેમિકલ ભળ્યું હોવાનું સામે આવતાં પત્નીનું આખું પાપ છતું થઈ ગયું. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટના આદેશથી ન્યાયિક કસ્ટડીમાં જેલ ભેગા કરી દીધા છે.
આ પણ વાંચો:રક્ષક જ ભક્ષક બન્યો! બીમાર પત્નીની લાચારીનો ફાયદો ઉઠાવી દીકરીનો દેહ પીંખનાર નરાધમ બાપની ધરપકડ
આ પણ વાંચો:આંધ્રપ્રદેશમાં પ્રેમિકાની ક્રૂર હત્યા, લાશના 3 ટુકડા કરી માથું સળગાવ્યું; નેવી જવાનની ધરપકડ
આ પણ વાંચો:આ પતિની હેવાનિયત જોઇને રહી જશો દંગ, મરેલી પત્નીનું માથું કાપીને લઇ ગયો પોલીસ સ્ટેશન
