FSSAI Complaint/ Swiggy Instamartને FSSAIની 9 નોટિસ, ખરાબ ફૂડ ડિલિવરી અને ફૂડ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન અંગે માંગ્યો જવાબ

ખરાબ દૂધ, સડેલા ઇંડા અને એક્સપાયરી ફૂડ ડિલિવરીની ફરિયાદો બાદ FSSAIએ Swiggy Instamartને 9 નોટિસ ફટકારી છે. ફૂડ સેફ્ટી નિયમોના પાલન અંગે સ્પષ્ટતા અને કમ્પ્લાયન્સ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

Top Stories Breaking News Business
Swiggy Instamart પર FSSAI લાલચોળ, ફૂડ સેફ્ટી મુદ્દે 9 નોટિસ

FSSAI Complaint: દેશમાં ઝડપથી વધી રહેલા ક્વિક-કોમર્સ ક્ષેત્ર વચ્ચે ફૂડ સેફ્ટીને લઈને મહત્વનો મુદ્દો સામે આવ્યો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ Swiggy Instamartને ગ્રાહકોની ફરિયાદોના આધારે કુલ 9 નોટિસ જારી કરી છે. કંપની પાસેથી ફૂડ સેફ્ટી નિયમોના પાલન અંગે સ્પષ્ટતા અને કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે.

કઈ ફરિયાદો સામે આવી?

FSSAIને મળેલી ફરિયાદોમાં ગ્રાહકોએ ખરાબ દૂધ, સડેલા ઇંડા, નુકસાન પામેલા પેકેજ્ડ ફૂડ અને એક્સપાયરી તારીખ ધરાવતા ખાદ્યપદાર્થોની ડિલિવરી મળ્યાનો આક્ષેપ કર્યો હતો.એક ગંભીર ફરિયાદમાં બાળક માટેનો ખાદ્યપદાર્થ ખરાબ હાલતમાં પહોંચાડવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રોડક્ટ પરત કર્યા બાદ તે જ પ્રોડક્ટ ફરી સપ્લાય કરવામાં આવી હતી.

વેચાણકારોની ચકાસણી પર સવાલ

FSSAIની તપાસ દરમિયાન કેટલાક વેચાણકારો પાસે માન્ય FSSAI લાઇસન્સ ન હોવાનું અથવા ખોટા લાઇસન્સ નંબરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. કેટલાક કિસ્સામાં પ્લેટફોર્મ પર દર્શાવાયેલ નામ અને સત્તાવાર FSSAI રજિસ્ટ્રેશનમાં પણ તફાવત જોવા મળ્યો હતો. નિયમનકારના મતે આવી સ્થિતિમાં ખાદ્યપદાર્થની ટ્રેસેબિલિટી અને ગુણવત્તા પર અસર પડી શકે છે.

ફરિયાદ પછી માત્ર રિફંડ?

ફરિયાદકર્તાઓએ એવો પણ આક્ષેપ કર્યો કે ગંભીર ફૂડ સેફ્ટી મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી અથવા તપાસ કરવાને બદલે કેટલાક કિસ્સામાં માત્ર રિફંડ આપીને ફરિયાદ બંધ કરવામાં આવી હતી. FSSAIએ આ મુદ્દે પણ કંપની પાસેથી જવાબ માંગ્યો છે.

અન્ય કંપનીઓ પણ તપાસના દાયરામાં

FSSAIએ જણાવ્યું છે કે નિયમોના પાલન અંગે તે અન્ય ફૂડ બિઝનેસ ઓપરેટર્સ અને ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સ પર પણ નજર રાખી રહ્યું છે. જરૂર જણાય ત્યાં નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ખરાબ ફૂડ મળે તો શું કરવું?

જો ગ્રાહકને ખરાબ, એક્સપાયર્ડ અથવા અસુરક્ષિત ખાદ્યપદાર્થ મળે તો:

FSSAIની Food Safety Connect એપ મારફતે ફરિયાદ નોંધાવી શકાય.

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં ફરિયાદ કરી શકાય.

પ્રોડક્ટનું બિલ, ફોટો અને પેકેજિંગની વિગતો સાચવી રાખવી.

માત્ર રિફંડ લેવાને બદલે ફૂડ સેફ્ટી સંબંધિત ફરિયાદ પણ નોંધાવવી.

ક્વિક-કોમર્સ સાથે વધતી જવાબદારી

ભારતમાં Swiggy Instamart, Blinkit અને Zepto જેવા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. નિષ્ણાતોના મતે ઝડપી ડિલિવરી સાથે ફૂડ સ્ટોરેજ, કોલ્ડ ચેઇન અને ગુણવત્તા નિયંત્રણનું કડક પાલન પણ એટલું જ જરૂરી છે, જેથી ગ્રાહકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન ન થાય.


આ પણ વાંચો:LinkedIn પર સોફ્ટવેર ડેવલપરની પોસ્ટ વાયરલ થઈ, કેવી રીતે Swiggyએ કરી મદદ

આ પણ વાંચો:ઓનલાઈન ફૂડ કંપની Swiggy અને Zomatoથી ઓર્ડર આપવો પડશે મોંઘો!

આ પણ વાંચો:જો તમારું પાલતુ પ્રાણી ગુમ થઈ જાય તો ચિંતા કરશો નહીં, સ્વિગી મદદ કરશે, જાણો શું છે ‘Swiggy Pawlice’