Food Safety Connect App: ભારતમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખોરાક સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ ‘Food Safety Connect’ નામની નવી મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા સામાન્ય નાગરિકો હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અથવા સ્ટ્રીટ ફૂડમાં જોવા મળતી ગંદકી, ભેળસેળ અથવા ખરાબ ગુણવત્તાવાળા ખોરાક અંગે સીધી ફરિયાદ નોંધાવી શકશે.
FSSAIના જણાવ્યા અનુસાર, દરેક નાગરિકને સ્વચ્છ, તાજો અને સુરક્ષિત ખોરાક મળે તે હેતુથી આ એપ વિકસાવવામાં આવી છે. જો કોઈ સ્થળે ખોરાકમાં ભેળસેળ હોવાની શંકા હોય, ખોરાક ખાવા યોગ્ય ન હોય અથવા રસોડામાં ગંદકી, માખીઓ, વંદા કે ઉંદરો જેવી અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળે તો ગ્રાહકો તેની તસવીર સાથે ફરિયાદ મોકલી શકે છે.
એપમાં ફરિયાદ કરતી વખતે ઘટનાસ્થળની તસવીર, સ્થળનું નામ, સરનામું અને અન્ય જરૂરી વિગતો અપલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે. ફરિયાદ સબમિટ થયા બાદ તે સંબંધિત વિસ્તારના ફૂડ સેફ્ટી અધિકારીના ડિજિટલ ડેશબોર્ડ પર સીધી પહોંચશે, જેથી ઝડપથી તપાસ અને કાર્યવાહી થઈ શકે.
કેવી રીતે કરશો ફરિયાદ?
* મોબાઇલમાં Food Safety Connect એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.
* એપ ખોલીને ગંદકી અથવા ખરાબ ખોરાકની તસવીર લો અને અપલોડ કરો.
* સ્થળનું નામ અને સરનામું દાખલ કરો.
* ફરિયાદનો પ્રકાર પસંદ કરીને જરૂરી વિગતો ભરો.
* અંતે ફરિયાદ સબમિટ કરો. ત્યારબાદ ફરિયાદ સંબંધિત ફૂડ સેફ્ટી અધિકારી સુધી સીધી પહોંચી જશે.
