Banaskantha News/ ગ્રીન અરાવલી તરફ બનાસ ડેરીનું મહત્વનું પગલું, 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર

બનાસ ડેરી દ્વારા દાંતા તાલુકાની અરાવલીમાં સતત છઠ્ઠા વર્ષે યોજાયેલા ‘સીડ બોલ ફોર ગ્રીન વોલ’ અભિયાન હેઠળ 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવ્યું. આ અભિયાનમાં ડ્રોન ટેક્નોલોજીથી દુર્ગમ વિસ્તારોમાં હરિયાળી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.

Gujarat Others Breaking News
Seed Ball for Green Wall

Banaskantha News: બનાસકાંઠાના દાંતા તાલુકામાં અરાવલી પર્વતમાળાની ગોદમાં હરિયાળું ગુજરાત સર્જવાના સંકલ્પ સાથે બનાસ ડેરી દ્વારા સતત છઠ્ઠા વર્ષે “સીડ બોલ ફોર ગ્રીન વોલ” મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું. લાખો સીડબોલના વાવેતર અને ડ્રોન ટેક્નોલોજી દ્વારા દુર્ગમ વિસ્તારોમાં હરિયાળી પહોંચાડવાના આ અનોખા પ્રયાસે પર્યાવરણ સંરક્ષણને નવી દિશા આપી છે.

‘સીડ બોલ ફોર ગ્રીન વોલ’ (Seed Ball for Green Wall) અભિયાનની શરૂઆત

બનાસકાંઠાના દાંતા તાલુકાની અરાવલી પર્વતમાળાની ગોદમાં આજે હરિયાળીના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. બનાસ ડેરી (Banas Dairy)દ્વારા સતત છઠ્ઠા વર્ષે યોજાયેલા “સીડ બોલ ફોર ગ્રીન વોલ” મહાઅભિયાનને લોકોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ના રહેતા, પર્યાવરણ સંરક્ષણ અને આવનારી પેઢીને હરિયાળું ગુજરાત આપવાના દૃઢ સંકલ્પનું પ્રતિક બની રહ્યું છે.

શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગ્રીન અરાવલી અભિયાનને સતત નવી દિશા અને ગતિ મળી રહી છે. અંબાજી નજીક આવેલા પાંછા ગામેથી સીડબોલ પ્લાન્ટેશનની શરૂઆત કરાવી તેમણે પર્યાવરણ સંરક્ષણને માત્ર સરકારી જવાબદારી નહીં, પરંતુ જનઆંદોલન બનાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે હરિયાળું પર્યાવરણ જ આગામી પેઢીને સ્વચ્છ હવા, પૂરતું પાણી અને સમૃદ્ધ કુદરતી સંપત્તિ આપી શકે છે.

ડ્રોન ટેક્નોલોજીથી દુર્ગમ વિસ્તારોમાં પહોંચશે હરિયાળી

આ અભિયાનની સૌથી વિશેષ બાબત એ છે કે અરાવલીના પર્વતીય અને માનવ પહોંચથી દૂર આવેલા વિસ્તારોમાં ડ્રોન ટેક્નોલોજી (Drone Technology)દ્વારા સીડબોલ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે. જેના કારણે જ્યાં સામાન્ય રીતે વૃક્ષારોપણ શક્ય નથી ત્યાં પણ હરિયાળી વિકસાવવાનો માર્ગ સરળ બનશે.

1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર

બનાસ ડેરી અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરીને પર્યાવરણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. આ પહેલ જૈવ વૈવિધ્યતાના સંરક્ષણ, વરસાદના સંતુલનમાં સુધારો, ભૂગર્ભ જળસ્તરમાં વધારો અને કુદરતી સંપત્તિના સંવર્ધન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સહકારી ક્ષેત્રથી સામાજિક જવાબદારી સુધી

શંકર ચૌધરી (Shankar Chaudhary)ના નેતૃત્વમાં બનાસ ડેરી માત્ર દેશની અગ્રણી સહકારી ડેરી તરીકે જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં પણ પ્રેરણાદાયી મોડેલ તરીકે ઉભરી રહી છે. હરિયાળું ગુજરાત બનાવવા માટેનું આ અભિયાન હવે માત્ર કાર્યક્રમ નહીં પરંતુ પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અને જનઆંદોલનનું જીવંત પ્રતિક બની ગયું છે.

સીડબોલ પદ્ધતિ શું છે?

સીડબોલ એ વૃક્ષોના બીજને ચિકણી માટી અને જૈવિક ખાતરના આવરણમાં તૈયાર કરવામાં આવતો નાનો ગોળો છે. આ ગોળાઓને જંગલ, પર્વતીય અથવા માનવ પહોંચ મુશ્કેલ હોય એવા વિસ્તારોમાં ફેલાવવામાં આવે છે. વરસાદ પડ્યા બાદ માટી ભીની થતાં સીડબોલમાં રહેલા બીજ અંકુરિત થાય છે અને ધીમે-ધીમે નાનો છોડ વિકસવા લાગે છે. માટીનું આવરણ બીજને પક્ષીઓ, જીવાતો અને કડક તડકાથી પ્રાથમિક સુરક્ષા આપે છે, જેના કારણે કુદરતી રીતે વૃક્ષો ઉગવાની સંભાવના વધે છે. આ પદ્ધતિ ઓછા ખર્ચે વિશાળ વિસ્તારમાં હરિયાળી વધારવા માટે અસરકારક માનવામાં આવે છે.


આ પણ વાંચો:  અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

આ પણ વાંચો: બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચૂંટણી

આ પણ વાંચો: અમિત શાહની હરિયાળી ઝુંબેશ: ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ‘સામૂહિક વૃક્ષારોપણ અભિયાન’