નાના બાળકો (child)ઘરમાં રમતા-રમતા અવારનવાર દરેક વસ્તુ મોઢામાં નાખી દેતા હોય છે. ઘણીવાર તેઓ અજાણતામાં સિક્કો, રમકડાના નાના ટુકડા અથવા મેગ્નેટ જેવી વસ્તુઓ ગળી જાય છે, જેનાથી માતા-પિતા ભારે ચિંતામાં મુકાઈ જાય છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં આવી વસ્તુઓ કુદરતી રીતે જ પેટમાંથી બહાર નીકળી જાય છે, પરંતુ જો બાળક બટન સેલ (બેટરી) કે ચુંબક ગળી જાય તો પરિસ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે. આવી કટોકટીની સ્થિતિમાં વાલીઓ ડરીને બાળકને બળજબરીથી ઉલટી કરાવવાનો કે પેટ ભરીને ખવડાવવાનો પ્રયત્ન કરવા લાગે છે, જે ડૉક્ટર્સના મતે તદ્દન ખોટું છે. આવી ભૂલો બાળકની મુશ્કેલી ઘટાડવાને બદલે વધારી શકે છે.
ભૂલથી પણ ન કરો ઘરેલું પ્રયોગો, સીધા પહોંચો હૉસ્પિટલ
જ્યારે પણ તમને ખબર પડે કે બાળકે કોઈ વસ્તુ ગળી લીધી છે, ત્યારે સૌથી પહેલા મનને શાંત રાખો. ગભરાટમાં આવીને બાળકને જોરપૂર્વક પાણી પીવડાવવું, ખોરાક આપવો કે ઉલટી કરાવવાની કોશિશ બિલકુલ ન કરવી જોઈએ.” આ પ્રકારના ઘરેલું નુસ્ખા સ્થિતિને વધુ બગાડી શકે છે. સૌથી શ્રેષ્ઠ અને સુરક્ષિત રસ્તો એ છે કે બાળકને તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે લઈ જાવ, જેથી એક્સ-રે કે અન્ય મેડિકલ ટેસ્ટ દ્વારા ફસાયેલી વસ્તુનું ચોક્કસ લોકેશન જાણી શકાય.
બેટરી અને ચુંબક બની શકે છે જીવલેણ
જો બાળકના પેટમાં સિક્કો ગયો હોય તો તે ઘણીવાર શૌચ ક્રિયા (મળ) દ્વારા આપોઆપ બહાર આવી જાય છે. પરંતુ, જો બાળકે એક કરતાં વધુ મેગ્નેટ (ચુંબક) અથવા નાની બટન બેટરી ગળી લીધી હોય તો તે અત્યંત જોખમી છે. પેટમાં ગયા પછી આ ચુંબક આંતરડાના અલગ-અલગ ભાગોને અંદરોઅંદર ચોંટાડી શકે છે, જેના કારણે આંતરડામાં કાણું પડી શકે છે, ગંભીર ઘા થઈ શકે છે અથવા જીવલેણ ઈન્ફેક્શન ફેલાઈ શકે છે.
લક્ષણો દેખાય ન તો પણ સાવચેત રહો
ઘણીવાર વસ્તુ ગળી ગયા પછી પણ બાળક એકદમ સામાન્ય દેખાય છે અને રમતું રહે છે. પરંતુ, કોઈ તાત્કાલિક અસરો ન દેખાવાનો અર્થ એ નથી કે બાળક જોખમથી બહાર છે. વાલીઓએ બાળકની પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવી જોઈએ. જો બાળકના પેટમાં અચાનક દુખાવો ઉપડે, ઉલટી થાય, મોઢામાંથી લાળ ટપકવા લાગે અથવા ખાવા-પીવામાં તકલીફ પડે, તો સમય બગાડ્યા વિના તરત જ તબીબી તપાસ કરાવો.
માતા-પિતા માટે ખાસ સુરક્ષા ટિપ્સ
બાળકો સ્વભાવે જિજ્ઞાસુ હોવાથી તેમને બધી વસ્તુઓ અડકવાની આદત હોય છે, તેથી વાલીઓએ જ અગમચેતી રાખવી પડશે:
ઘરના સિક્કા, સોય-દોરો, નાના મેગ્નેટ અને ઘડિયાળ કે રિમોટના બટન સેલ હંમેશા બાળકની પહોંચથી દૂર અને લોકવાળા ખાનામાં રાખો.
બાળકો જે રમકડાંથી રમે છે તેનું નિયમિત નિરીક્ષણ કરો. જો કોઈ રમકડું તૂટેલું હોય કે તેનો નાનો ભાગ ઢીલો થઈ ગયો હોય, તો તેને તરત જ ફેંકી દો અથવા રીપેર કરો.
બાળકોની બાબતમાં ‘રાહ જોવાની’ નીતિ અપનાવવા કરતાં તાત્કાલિક તબીબી સલાહ લેવી વધુ હિતાવહ છે, કારણ કે સમયસર લીધેલું પગલું મોટી મેડિકલ ઈમરજન્સીને ટાળી શકે છે.
