અમદાવાદ: રાજકોટ શહેર કોંગ્રેસમા શિસ્ત લાવવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે કાર્યકર તુષિત પાણેરીને તાકીદની અસરથી ત્રણ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે. પોતે હોદેદાર નહિ હોવા છતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી થઈને રાજકોટના તુષિત કમલેશભાઈ પાણેરી ફરતો હતો. જે અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ પાણેરીને પક્ષમાંથી ત્રણ વર્ષ માટે પ્રદેશ સસ્પેન્ડ કરી દીધો છે. આમ કોંગ્રેસના મોવડીઓ દ્વારા નવાં વર્ષના પ્રારંભમાં જ શિસ્તની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તુષિત કમલેશભાઈ પાણેરીએ પોતાના એફ.બી.એકાઉન્ટમાં પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી હોવાનું જણાવ્યુ હતું, એટલું જ નહિ અખબારોમાં પણ આ હોદ્દા સાથે પક્ષને હાની પહોંચાડતી પ્રેસનોટ પણ આપી હતી.
આ બાબત ધ્યાનમાં આવતા રાજકોટ શહેરના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જાણ કરી હતી. આ મામલે રાજપૂતે તુષિત પાણેરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે પ્રદેશ પ્રમુખ ચાવડાનું માર્ગદર્શન માંગ્યું હતું. જે અંગે પ્રદેશ પ્રમુખ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેથી મહેશ રાજપૂત દ્વારા આ કાર્યકરને તાત્કાલિક અસરથી પક્ષમાંથી ત્રણ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
કાર્યકર તુષિત પાણેરીને ફટકારેલી નોટિસમાં મહેશ રાજપૂતે જણાવ્યુ છે કે, તમે માત્ર વોર્ડ નંબર 10ના કાર્યકર છો અને વિચાર મંચના હોદેદાર છો. તમે ગેરકાયદેસર રીતે પ્રદેશના મંત્રી હોવાની જાહેર ઓળખ રાખી છે. તમે મંત્રી હોવાના લેટરપેડ પણ છપાવ્યા છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છો.
એટલું જ નહિ તમે પ્રદેશના મંત્રી ન હોવા છતાં અખબારોમાં પ્રેસનોટ આપી પક્ષની છબી ખરડાય તેવી પ્રવૃત્તિઓ પણ કરી છે અને પક્ષની શિસ્તનો ભંગ કર્યો છે. આવી રીતે શિસ્તભંગ પક્ષમાં ચલાવી શકાય નહિ.
કાર્યકારી શહેર પ્રમુખ મહેશ રાજપૂત દ્વારા ફટકારાયેલી આ નોટિસમાં તુષિત પાણેરીને જો ભવિષ્યમાં હોદ્દાનો દુરુપયોગ કરશો તો કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
આ મામલે શું કહ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે
આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે mantavyanews.com ને જણાવ્યું હતું કે, તુષિત પાણેરી માત્ર વોર્ડ કક્ષાનો કાર્યકર હતો, તેમ છતાં તેણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રીના લેટર પેડ છપાવ્યા હતા. એટલું જ નહિ તેણે આવા ખોટા લેટર પેડનો ઉપયોગ કરીને અખબારોમાં પક્ષની છબીને હાનિ પહોંચાડવાની પ્રવૃત્તિ પણ કરી હતી.
આ ઉપરાંત તેના ફેસબુક એકાઉન્ટ ઉપર પણ પોતાની ઓળખ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી હોવાની દર્શાવી છે. આ મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને જાણ કરીને તુષિત પાણેરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની મંજૂરી માંગી હતી. જે અંગે તા. 7 નવેમ્બરને દિવાળીના રોજ પ્રદેશ પ્રમુખની મંજૂરી મળી ગઈ હતી. આ પછી તા. 10 નવેમ્બરના રોજ તેને રજિસ્ટર એડી.થી નોટિસ મોકલીને પક્ષમાંથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
