Health News/ મચ્છર કરડ્યા પછી ખંજવાળવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, નવા રિસર્ચમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

નવા વૈજ્ઞાનિક સંશોધન મુજબ મચ્છર (mosquito) કે જીવજંતુ કરડ્યા પછી ખંજવાળવાથી સોજો અને બળતરા વધી શકે છે. નખ ઘસવાથી શરીરમાં હિસ્ટામાઇન રસાયણ મુક્ત થાય છે, જે ત્વચાની તકલીફ વધારે છે.

Lifestyle
Mosquito

ઉનાળો કે ચોમાસું હોય, મચ્છર (mosquito) અને નાના જીવજંતુઓ કરડવા સામાન્ય બાબત છે. જંતુ કરડ્યા પછી મોટાભાગના લોકો ત્વચા પર જોરજોરથી ખંજવાળવા લાગે છે, કારણ કે તેનાથી તે સમયે થોડી શાંતિ મળે છે. પરંતુ જો તમે પણ આવું કરો છો, તો સાવધ થઈ જજો. તાજેતરના એક વૈજ્ઞાનિક સંશોધનમાં ખુલાસો થયો છે કે આ ત્વરિત રાહત માત્ર દેખાડો છે. વાસ્તવમાં, ડંખવાળી જગ્યાએ વારંવાર નખ ઘસવાથી ત્વચાનો સોજો, બળતરા અને ખંજવાળની સમસ્યા બમણી થઈ જાય છે.

ખંજવાળવાથી શરીરની અંદર શું પ્રક્રિયા થાય છે?

તબીબો હંમેશા એલર્જી અથવા મચ્છર કરડ્યા બાદ ખંજવાળવાની ના પાડે છે. હવે વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં ઉંદરો પર પ્રયોગ કરીને આનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ શોધી કાઢ્યું છે. રિસર્ચ અનુસાર, જ્યારે આપણે કોઈ જગ્યાએ ખંજવાળીએ છીએ, ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) વધુ પડતી સક્રિય થઈ જાય છે અને તે વિસ્તારમાં સોજો લાવનારા કોષો ઝડપથી એકઠા થાય છે. જે ઉંદરોને ખંજવાળવા દેવામાં આવ્યા, તેમની ત્વચા પર વધુ ગંભીર અસર જોવા મળી. આનાથી ઉલટું, જે ઉંદરોને ખંજવાળથી દૂર રખાયા, તેમનો સોજો આપમેળે ખૂબ ઓછો થઈ ગયો. સામાન્ય રીતે, મચ્છર કરડ્યા પછી જો તેને અડ્યા વિના છોડી દેવામાં આવે તો 5 થી 10 મિનિટમાં ખંજવાળ શાંત થઈ જાય છે, પરંતુ વારંવાર નખ મારવાથી તે નાનો ડંખ મોટું અલ્સર કે લાંબા સમય સુધી ચાલતી આડઅસર બની શકે છે.

આ રાસાયણિક પ્રતિક્રિયા વધારે છે મુશ્કેલી

સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ત્વચાને ખંજવાળવાથી પીડા અનુભવતી નર્વ્સ (ચેતાઓ) ઉત્તેજિત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન નર્વ્સમાંથી ‘સબસ્ટન્સ પી’ (Substance P) નામનું કેમિકલ મેસેન્જર નીકળે છે, જે સીધું ત્વચાના માસ્ટ સેલ્સને સક્રિય કરે છે. આ સેલ્સ હિસ્ટામાઇન જેવા ઝેરી રસાયણો છોડે છે, જે ત્વચા પર ખંજવાળ અને લાલ ચામડીની સમસ્યામાં જોરદાર વધારો કરે છે. આ એક એવું ચક્ર છે કે તમે જેટલું વધારે ખંજવાળશો, એટલી જ વધુ ખંજવાળ ઉપડશે.

બેક્ટેરિયા સામે સામાન્ય રક્ષણ, પણ નુકસાન મોટું

અભ્યાસમાં એક નાનો સકારાત્મક પક્ષ એ પણ જોવા મળ્યો કે ખંજવાળવાથી ત્વચાની સપાટી પર રહેલા ચોક્કસ હાનિકારક બેક્ટેરિયાની સંખ્યા થોડી ઘટી હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે બળતરા થવાથી શરીર અમુક અંશે જંતુઓ સામે લડે છે. આમ છતાં, નિષ્ણાતો સ્પષ્ટ ચેતવણી આપે છે કે આ મામૂલી ફાયદા માટે ત્વચાને નખથી છોલી નાખવાની આદતને બિલકુલ યોગ્ય ન ઠેરવી શકાય, કારણ કે તેનાથી ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

નખ મારવાને બદલે કરો આ સરળ ઉપાય

જ્યારે પણ મચ્છર, માખી કે અન્ય કોઈ જીવજંતુ કરડે અને અસહ્ય ખંજવાળ આવે, ત્યારે ત્વચાને નુકસાન પહોંચાડવાને બદલે એન્ટી-ઇચિંગ ક્રીમનો આશરો લો. મેન્થોલ યુક્ત લોશન, કેલામાઇન લોશન અથવા હાઇડ્રોકોર્ટિસોન ક્રીમ લગાવવાથી તે ભાગ તરત જ ઠંડો થઈ જાય છે. શરૂઆતમાં કંટ્રોલ કરવો અઘરો પડી શકે છે, પરંતુ ત્વચાને સ્ક્રેચ કર્યા વિના રાખવાથી તે ખૂબ જ ઝડપથી સાજી થઈ જાય છે.


આ પણ વાંચો :શરીર પર મચ્છરદાની અને દૂષિત પાણી સાથે કોંગ્રેસ ઉમેદવારનો ફોર્મ ભરી વિરોધ

આ પણ વાંચો :એક મચ્છર આદમી કો ‘હીજડા’ બના દેતા હૈ !

આ પણ વાંચો :વરસાદ પછી વધી ગયો છે મચ્છરોનો આતંક? ઘરે બેઠાં, આ રીતે બનાવો નેચરલ મૉસ્કિટો રિફિલ!