Breaking News: વર્ષ 2008માં અમદાવાદ શહેરને હચમચાવી નાખનાર સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad Serial Blast Case )માં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા ફટકારાયેલી સજાને યથાવત રાખતાં 38 દોષિતોને આપવામાં આવેલી ફાંસીની સજા અને 11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા તમામ મૃતકોના પરિવારને 31 માર્ચ, 2027 સુધીમાં પ્રતિ પરિવાર ₹10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
Ahmedabad Serial Blast Case : ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ દેશના ન્યાયિક ઇતિહાસમાં એકસાથે સૌથી વધુ 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે.
26 જુલાઈ, 2008ના દિવસે ધ્રૂજી ઉઠ્યું હતું અમદાવાદ
26 જુલાઈ, 2008ના રોજ સાંજે અંદાજે 90 મિનિટના સમયગાળામાં અમદાવાદ શહેરના 20 અલગ-અલગ સ્થળોએ 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast Case ) કરવામાં આવ્યા હતા. સાઇકલ, કાર અને બસમાં રાખવામાં આવેલા બોમ્બ વિસ્ફોટોથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલની બહાર પાર્ક કરાયેલા વાહનોમાં પણ વિસ્ફોટ કરાયા હતા, જેના કારણે બચાવ કામગીરી દરમિયાન પણ નુકસાન થયું હતું.
કેસની તપાસ અને કાર્યવાહી
આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 મળી કુલ 35 FIR નોંધવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં 99 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 82 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તબક્કાવાર કુલ 548 ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન લગભગ 6 હજાર દસ્તાવેજી પુરાવા અને 1,163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સમગ્ર કેસનો ચુકાદો લગભગ 7 હજાર પાનાંમાં તૈયાર થયો હતો, જ્યારે કેસની પેપરબુકનો જથ્થો અંદાજે 7.88 લાખ પાનાંનો હતો.
78 આરોપીઓ સામે ચાલ્યો ટ્રાયલ
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ હાથ ધરાયો હતો. 13 વર્ષ સુધી ચાલેલી સુનાવણી બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ ચુકાદો આવ્યો હતો. તેમાં 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 29 આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
આતંકી તાલીમ અને કાવતરું
તપાસમાં સામે આવ્યું હતું કે કેટલાક આરોપીઓએ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક યોજાયેલા કેમ્પમાં તાલીમ લીધી હતી. ઉપરાંત કેરળમાં પણ આતંકી તાલીમ કેમ્પમાં ભાગ લેવાયો હોવાનો ખુલાસો થયો હતો.તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ કેમ્પ દરમિયાન વિસ્ફોટકો બનાવવાની તાલીમ, જેહાદી વિચારધારાના ભાષણો અને ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આરોપીઓ વિવિધ રાજ્યોમાંથી આવી આ કેમ્પમાં જોડાયા હતા.
કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
ચુકાદાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ મુલાકાતીઓની બેગ સ્કેનિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા કોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત SRP સહિત 120થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યવાહીનું વીડિયોગ્રાફી પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ફરમાવેલી ‘ફાંસી’ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય કેમ બની ?
આ પણ વાંચો:જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા
આ પણ વાંચો:અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી,દોષિતોને મળશે આકરી સજા
