Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital Accident)માં ડ્રેનેજ લાઇનમાં સફાઈ કામગીરી દરમિયાન બનેલી ગંભીર દુર્ઘટના બાદ હોસ્પિટલમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનામાં ત્રણ કર્મચારીઓ ડ્રેનેજ લાઇનમાં ફસાયા હતા. તેમને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો પરિવારજનો અને સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
UN Mehta Hospital Accident : શું બની હતી ઘટના?
રવિવારે સાંજના સમયે યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital Accident)ના બેઝમેન્ટમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્ક અને ડ્રેનેજ લાઇનમાં સફાઈ કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ઝેરી ગેસની અસરથી એક શ્રમિક બેભાન થઈ ટેન્કમાં પડી ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેને બચાવવા માટે અન્ય બે કર્મચારીઓ પણ નીચે ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસના કારણે બેભાન થઈ ગયા અને અંદર જ ફસાઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બેને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરીને બહાર કાઢ્યા હતા. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મોતના આક્ષેપ અને પરિવારજનોનો વિરોધ
ઘટનામાં સામેલ ત્રણેય કર્મચારીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલ (UN Mehta Hospital Accident) તરફથી તેમને દર્દીઓને મળવા દેવામાં આવ્યા નહોતા. સાથે જ SMC કંપની હેઠળ કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનો પણ પરિવારનો દાવો છે. જોકે હોસ્પિટલ તંત્રએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
સેફ્ટી સાધનો વિના કામ કરાવ્યાનો આક્ષેપ
સ્થાનિક લોકો અને કર્મચારીઓનો આક્ષેપ છે કે હાઉસકીપિંગ સ્ટાફ પાસે ડ્રેનેજ લાઇનમાં કામ કરાવવામાં આવ્યું હતું અને જરૂરી સુરક્ષા સાધનો (સેફ્ટી ગિયર) ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નહોતા. આક્ષેપ છે કે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હોત તો આ દુર્ઘટના ટાળી શકાય તેમ હતી.
200થી વધુ કર્મચારીઓ હડતાળ પર
દુર્ઘટના બાદ સોમવારે સવારે 200થી વધુ હાઉસકીપિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. હોસ્પિટલ (UN Mehta Hospital Accident) પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે શાહીબાગ પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના કેટલાક પ્રવેશદ્વારો પણ બંધ કરવામાં આવ્યા હતા.
હાલ સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર, પોલીસ અને સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. હોસ્પિટલ તરફથી સત્તાવાર નિવેદન બાદ જ કર્મચારીના મોત અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સ્પષ્ટતા થશે.
આ પણ વાંચો:યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ દુર્ઘટના,3 મજૂરોને બચાવી લેવાયા
આ પણ વાંચો:કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!
આ પણ વાંચો:યુ.એન.મહેતા હોસ્પિટલના RMOની કેમ કરવામાં આવી ધરપકડ,જાણો વિગત
