Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)માં રવિવારે સાંજે ડ્રેનેજ (Drainage)લાઇનમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાં એક મજૂરનો પગ લપસતા તે અંદર પડી ગયો હતો. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય બે મજૂરો પણ અંદર ઉતર્યા, પરંતુ ગૂંગળામણ અને સંભવિત ઝેરી ગેસની અસરને કારણે ત્રણેય ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ (Fire Brigade)પહોંચે તે પહેલાં સ્થાનિકોની મદદથી એક મજૂરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે ઓક્સિજન અને વિશેષ રેસ્ક્યુ સાધનોની મદદથી ડ્રેનેજ લાઇનમાં ઉતરી બાકીના બે મજૂરોને બહાર કાઢ્યા હતા.

બચાવાયેલા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝેરી ગેસ અને ગૂંગળામણના કારણે બે મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ત્રણેય મજૂરોના નામ
- પ્રવીણ વાઘેલા
- સાહિલ નાડિયા
- રોકી મેકવાન
અલગ-અલગ સમયે મળ્યા ઈમરજન્સી કોલ
ફાયર વિભાગને સાંજે 7:24 વાગ્યે પ્રથમ કોલ મળ્યો હતો. ત્યારબાદ 7:25 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમ અને 7:28 વાગ્યે નરોડા ફાયર સ્ટેશનને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. શાહપુર અને નરોડા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

અમદાવાદ ફાયર બ્રિગેડ (Fire Brigade)ના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીના જણાવ્યા મુજબ, મેન્ટેનન્સની કામગીરી શરૂ થાય તે પહેલાં જ એક મજૂર ડ્રેનેજ લાઇનમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે ઉતરેલા અન્ય બે મજૂરો પણ અંદર ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation)ચલાવી બંનેને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
મેયર અને ચેરમેન પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ પણ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની માહિતી મેળવી શ્રમિકોની સારવાર અંગે વિગતો મેળવી હતી. ઘટનાને પગલે હોસ્પિટલમાં સલામતીના ધોરણો અને મેન્ટેનન્સ પ્રક્રિયા અંગે તપાસ થાય તેવી શક્યતા છે.
.
