Ahmedabad News:અમદાવાદ (Ahmedabad) ના ખોખરા વિસ્તારમાં ધોધમાર વરસાદે (Rain) હાહાકાર મચાવ્યો છે. માત્ર 10 મિનિટના વરસાદે સમગ્ર વિસ્તારને જળમગ્ન કરી દીધો, જેના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. ખાસ વાત એ છે કે, બે મહિના પહેલાં જ અહીં વરસાદી પાણીના નિકાલ માટે નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી, પરંતુ તેનું પરિણામ શૂન્ય જ રહ્યું. છ મહિના સુધી ચાલેલા ખોદકામથી સ્થાનિકો પરેશાન હતા, અને હવે આ નવી લાઈનની નિષ્ફળતાએ તેમનો આક્રોશ વધાર્યો છે.
નવી ડ્રેનેજ લાઈન નાખવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. ખોખરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ અને હાટકેશ્વર સર્કલ આસપાસના વિસ્તારોમાં પાણી ઘરોના ઓટલા સુધી પહોંચી ગયું, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી લાઈન નાખવાની કામગીરીને સ્માર્ટ સિટીના દાવા સાથે જોડવામાં આવી હતી, પરંતુ વરસાદે આ દાવાઓ પર પાણી ફેરવી દીધું. સ્થાનિકોનું કહેવું છે કે ડ્રેનેજ લાઈનનું યોગ્ય પ્લાનિંગ અને માપદંડોનું પાલન ન થયું, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ.

આ સાથેજ ખોખરામાં વરસાદી પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ AMC સામે રોષ વ્યક્ત કર્યો છે. તેઓએ માંગણી કરી છે કે તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે અને નવી લાઈનના ખર્ચની તપાસ કરે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદના ડ્રેનેજ વ્યવસ્થાપન પર સવાલો ઉભા કર્યા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે, અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. જન્માષ્ટમીના શુભ પ્રસંગે હવામાન બદલાયું છે અને ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં માત્ર બે કલાકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા છે. મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો જેમ કે વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઇવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલ દરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલામાં ભારે વરસાદ પડી રહ્યો છે.આકાશમાં કાળા વાદળો છવાયેલા હોવાથી દિવસભર વરસાદ પડવાની શક્યતા છે. નરોડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ
આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા
આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ
