Junagadh News : જૂનાગઢ (junagadh) જિલ્લાના વંથલી (Vanthali)તાલુકાના નાવડા ગામમાં ભારે વરસાદ બાદ તૂટી ગયેલા પુલ (Bridge Collapse)અને બિસ્માર રસ્તાના કારણે 58 જેટલા ખેડૂતોની વાવણી અટકી ગઈ છે. ચોમાસામાં વાવણી માટેનો મહત્વનો સમય ચાલી રહ્યો હોવા છતાં ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શકતા નથી. આ મુદ્દે ગ્રામજનોએ તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યક્ત કરી 2027ની ચૂંટણીના બહિષ્કાર (Election Protest)તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
નાવડા ગામમાંથી વાડી વિસ્તાર તરફ જતો મુખ્ય રસ્તો અને તેના પરનો પુલ વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતાં છેલ્લા આઠથી દસ દિવસથી સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. ગરવાઈ, માણાવદર અને મોડકા વિસ્તારનું પાણી આ ખારા વિસ્તારમાં આવતા માર્ગને ભારે નુકસાન થયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલ બિયારણ, ખાતર, ખેતીના સાધનો કે બળદગાડું ખેતર સુધી લઈ જવું શક્ય નથી. પરિણામે વાવણીનું કામ અટકી ગયું છે અને ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે.

ગામલોકોનું કહેવું છે કે પંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. કેટલાક સ્થાનિકોએ ધારાસભ્ય સહિતના લોકપ્રતિનિધિઓ સામે પણ નારાજગી વ્યક્ત કરી અને સમયસર પુલનું નિર્માણ નહીં થાય તો 2027ની ચૂંટણીમાં જવાબ આપવાની ચેતવણી આપી છે.
બીજી તરફ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2022માં માર્ગને પાકો બનાવવા માટે રૂ. 4.24 કરોડના કામને મંજૂરી આપવામાં આવી હતી અને વર્ષ 2024માં કામગીરી શરૂ થઈ હતી. જોકે ચોમાસા દરમિયાન પાણીના વહેણ અને સ્થાનિકોની રજૂઆતને કારણે કામગીરી અટકી ગઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે સ્થાનિકોની માંગ મુજબ પ્રોટેક્શન વોલ સાથે સીસી રોડ બનાવવા માટે નવી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. તેના માટે આસપાસના ખેડૂતોની લેખિત સંમતિ જરૂરી છે. ગ્રામ પંચાયતને આ અંગે પત્ર મોકલવામાં આવ્યો છે અને સંમતિ મળ્યા બાદ સરકાર સમક્ષ નવી દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
હાલ ખેડૂતોની માંગ એક જ છે કે વાવણીની સિઝનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને પુલ તથા રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
