Vadodara News/ વડોદરામાં પત્ની પર કટરથી હુમલો કરી પતિનો આપઘાત

પારિવારિક વિવાદ વચ્ચે પતિએ પત્ની પર કટરથી જીવલેણ હુમલો (Cutter Attack)કર્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કર્યો હતો

Top Stories Gujarat Vadodara
લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ વચ્ચે પતિએ પત્ની પર કટરથી જીવલેણ હુમલો (Cutter Attack)કર્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કર્યો હતો

Vadodara News : વડોદરા (Vadodara)ના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા ઉમા પાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. પ્રાથમિક માહિતી મુજબ, લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ વચ્ચે પતિએ પત્ની પર કટરથી જીવલેણ હુમલો (Cutter Attack)કર્યો હતો. ત્યારબાદ તેણે ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત (Suicide)કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પત્નીને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ (Sayaji Hospital)માં દાખલ કરવામાં આવી છે.

બાળકોને રૂમમાં બંધ કર્યા બાદ હુમલો

પોલીસ તપાસ મુજબ, ઘટના સમયે દંપતીના બંને બાળકો ઘરમાં હાજર હતા. આરોપીએ બંને બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા બાદ પત્ની પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલા દરમિયાન મહિલાના ગળા ઉપરાંત આંખની આસપાસ અને હાથ પર પણ ગંભીર ઇજાઓ પહોંચી છે.

પુત્રના ફોનથી પરિવારને ઘટનાની જાણ

હુમલા બાદ બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. દરમિયાન પુત્રે પોતાના દાદાને ફોન કરીને માતા પર હુમલો થયાની જાણ કરી હતી. માહિતી મળતા પરિવારજનો અને પડોશીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

બારીનો કાચ તોડી અંદર પ્રવેશ્યા

પાડોશીઓએ ઘરની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ કરતાં પતિ હોલમાં છતના હૂક સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

15 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત

માહિતી અનુસાર, દંપતીના લગ્ન લગભગ 15 વર્ષ પહેલાં થયા હતા અને તેમને એક પુત્ર તથા એક પુત્રી છે. બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ વિવાદ ચાલતો હોવાની પણ માહિતી સામે આવી રહી છે.

પોલીસે તપાસ શરૂ કરી

મહિલાના પિતાની ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે મૃતક પતિ સામે ગુનો નોંધી સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે અને હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો : ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના દેવાનો ઉલ્લેખ

આ પણ વાંચો : મહેસાણામાં ધોરણ-7ની વિદ્યાર્થિનીનો આપઘાત: આવાસ યોજનાની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી મોતની છલાંગ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો : ગાંધીનગર: કોસ્ટ ગાર્ડ ઓફિસમાં જવાનનો આપઘાતનો પ્રયાસ, સરકારી રાઇફલથી ગળા પર ફાયરિંગ કર્યું