Rajkot News : રાજકોટ (Rajkot)જિલ્લામાં એક જ દિવસે અકસ્માત (Accident), આપઘાત, ગુનાખોરી અને રહસ્યમય મોતની ચાર અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. એક તરફ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે થયેલા અકસ્માતમાં પુત્રની નજર સામે પિતાનું મોત થયું છે, તો બીજી તરફ રોજગારી ન મળતા 18 વર્ષીય શ્રમિક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઉપરાંત ગેંગવોર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે અને ગોંડલ ચોકડી વિસ્તારમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ પણ મળી આવ્યો છે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે અકસ્માતમાં પિતાનું મોત

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક સ્કૂટર અને રોડની બાજુમાં ઉભેલા ટેમ્પો વચ્ચે અકસ્માત (Accident)સર્જાયો હતો. સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 43 વર્ષીય વશરામભાઈ પુંજાભાઈ પરમાર પોતાના પુત્ર સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે સ્કૂટરનું સંતુલન ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વશરામભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમની સાથે રહેલા પુત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામ ન મળતા 18 વર્ષીય યુવકે આપઘાત કર્યો
મૂળ ઉત્તર પ્રદેશનો અને છેલ્લા છ મહિનાથી રાજકોટમાં રહેતો 18 વર્ષીય રાહુલ નાનકુ આર્યાને રોજગારી ન મળતા ભારે માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો હતો. નાની ઉંમરના કારણે સતત કામ ન મળતાં તેણે લોઠડા વિસ્તારમાં ભાડાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા (Suicide)કરી હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આજીડેમ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.
ગેંગવોર કેસમાં હથિયાર સપ્લાયર ઝડપાયો
રાજકોટના ચર્ચિત ‘મુરઘા ગેંગ’ અને ‘પેંડા ગેંગ’ (Penda Gang)વચ્ચે થયેલા ગેંગવોર અને ફાયરિંગ કેસમાં એસઓજીને મહત્વની સફળતા મળી છે. છેલ્લા નવ મહિનાથી ફરાર રહેલો વિશ્વરાજસિંહ ઉર્ફે દાદુ ઠાકુર પૃથ્વીરાજસિંહ રાઠોડને મોરબી રોડ નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસની તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આરોપીએ હથિયાર વિશ્વરાજસિંહ પાસેથી મળ્યાની કબૂલાત આપી હતી. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને વધુ વિગતો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ગોંડલ ચોકડી પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો
રાજકોટની ગોંડલ ચોકડી બ્રિજ નીચે આવેલા બગીચામાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી આવી હતી. મૃતકની નજીક સાયકલ અને અન્ય સામાન પણ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં વ્યક્તિ અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકના જમણા હાથ પર ‘મહેશ’ નામનું ટેટૂ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.
