Arvalli News : જિલ્લામાં ફરી એકવાર ચાંદીપુરા (Chandipura Virus Aravalli) વાયરસને લઈને ચિંતા વધી છે. મેઘરજ(Meghraj Chandipura Virus) તાલુકાના જાલમપુર ગામની 2 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. બાળકીને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અને નિરીક્ષણ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
ઘટનાને ગંભીરતાથી લઈ અરવલ્લી (Chandipura Virus Aravalli) જિલ્લા આરોગ્ય વિભાગે સમગ્ર જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને હાઈ રિસ્ક વિસ્તારોમાં આરોગ્ય ટીમો દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘર-ઘર જઈ તાવ અને અન્ય લક્ષણો ધરાવતા બાળકોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ વાયરસના સંભવિત વાહકોને નિયંત્રિત કરવા ડસ્ટિંગ, ફોગિંગ અને અન્ય નિવારક કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

આ દરમિયાન મેઘરજ તાલુકાના (Chandipura Virus Aravalli) ઓઢા ગામની 3 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેથી તેનું મૃત્યુ ચાંદીપુરા વાયરસના કારણે થયું હોવાનું હાલ સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2024 દરમિયાન અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે ત્રણ બાળકોના મોત નોંધાયા હતા. આ અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે આરોગ્ય વિભાગે વધુ સાવચેતી દાખવી છે અને સંભવિત સંક્રમણને અટકાવવા માટે સતત દેખરેખ રાખી રહ્યો છે.
ચાંદીપુરા વાયરસના સંભવિત લક્ષણો
- સતત અથવા અચાનક ઊંચો તાવ
- ઉલ્ટી થવી
- આંચકી (ખેંચ) આવવી
- બેભાન થવું અથવા સુસ્તી અનુભવવી
- બાળકની સ્થિતિ ઝડપથી ગંભીર બનવી
આરોગ્ય વિભાગની અપીલ
આરોગ્ય વિભાગે (Gujarat Health Alert) વાલીઓને અપીલ કરી છે કે જો બાળકોમાં તાવ, ઉલ્ટી, આંચકી અથવા બેભાન થવા જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો. ઉપરાંત ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી, જીવાતોના ઉપદ્રવને રોકવા જરૂરી પગલાં લેવા અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવું.
આ પણ વાંચો: સાબરકાંઠામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ એક બાળકનું મોત; મૃત્યુઆંક 4 પર પહોંચ્યો
આ પણ વાંચો: મહેસાણાના વડનગરમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં; ગામમાં દવાનો છંટકાવ શરૂ
