india news/ વ્હિસ્કીથી લઈને લક્ઝરી કાર સુધી અનેક વસ્તુઓ થશે સસ્તી; ભારતીય નિકાસકારોને પણ મોટો ફાયદો

ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) 15 જુલાઈ 2026થી અમલમાં આવ્યો. સ્કોચ વ્હિસ્કી, લક્ઝરી કાર અને અન્ય બ્રિટિશ ઉત્પાદનો સસ્તા થશે.

India Top Stories
fta

India UK Free Trade Agreement: ભારત અને યુકે વચ્ચેનો બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરાર (Free Trade Agreement-FTA) બુધવાર, 15 જુલાઈ 2026થી સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. આ કરારને બંને દેશોના વેપાર સંબંધોમાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. FTA લાગુ થતાં જ બંને દેશો વચ્ચે અનેક ઉત્પાદનો પર લાગતા આયાત-નિકાસ શુલ્ક (ટેરિફ)માં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે ભારતમાં બ્રિટિશ ઉત્પાદનો સસ્તા થશે અને ભારતીય ઉત્પાદનોને યુકેના બજારમાં વધુ સરળ પ્રવેશ મળશે.

સ્કોચ અને વ્હિસ્કી પર મોટી રાહત

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) અનુસાર, આ કરારનો સૌથી મોટો લાભ બ્રિટિશ સ્કોચ અને વ્હિસ્કી ઉદ્યોગને મળશે. હાલમાં ભારતમાં સ્કોચ વ્હિસ્કી પર 150 ટકા આયાત શુલ્ક વસૂલવામાં આવે છે. FTA હેઠળ આ ટેરિફને તબક્કાવાર ઘટાડીને 40 ટકા સુધી લાવવામાં આવશે. પરિણામે આગામી વર્ષોમાં સ્કોચ અને વ્હિસ્કીની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.

લક્ઝરી કાર ખરીદવી બનશે વધુ સરળ

આ કરારથી ઓટોમોબાઇલ ક્ષેત્રને પણ મોટો ફાયદો થવાનો છે. ક્વોટા સિસ્ટમ હેઠળ બ્રિટિશ લક્ઝરી કાર પર લાગતો ટેરિફ 100 ટકાથી ઘટાડીને 10 ટકા સુધી લાવવામાં આવશે. તેના કારણે Jaguar, Land Rover, Aston Martin, Rolls-Royce અને Defender જેવી પ્રીમિયમ કાર ભારતીય બજારમાં અગાઉની સરખામણીએ ઓછી કિંમતે ઉપલબ્ધ બનશે.

પ્રથમ વર્ષે ઘટાડેલી ડ્યુટી સાથે કુલ 20,000 કાર આયાત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 3000ccથી વધુ પેટ્રોલ અને 2500ccથી વધુ ડીઝલ એન્જિન ધરાવતી 10,000 કાર પર કસ્ટમ ડ્યુટી 110 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવશે. જ્યારે 1500ccથી 3000cc વચ્ચેની 5,000 કાર પર ડ્યુટી 66 ટકાથી ઘટાડીને 50 ટકા કરવામાં આવશે, જે આગામી 15 વર્ષમાં તબક્કાવાર ઘટાડીને 10 ટકા સુધી લાવવામાં આવશે.

કોસ્મેટિક્સ અને અન્ય આયાતી વસ્તુઓ પણ થશે સસ્તી

કાર અને આલ્કોહોલ ઉપરાંત યુકેથી આયાત થતા કોસ્મેટિક્સ, બ્યુટી પ્રોડક્ટ્સ અને અન્ય ગ્રાહક ઉત્પાદનો પર લાગતી આયાત જકાતમાં પણ રાહત મળશે. હાલમાં આ ઉત્પાદનો પર 22 ટકા સુધીનો ટેરિફ લાગુ પડે છે, જેને કેટલીક વસ્તુઓમાં તાત્કાલિક દૂર કરવામાં આવશે જ્યારે બાકીના ઉત્પાદનો પર આગામી 10 વર્ષમાં ધીમે ધીમે શૂન્ય કરવામાં આવશે.

ભારતીય નિકાસકારો માટે પણ મોટી તક

FTAનો સૌથી મોટો લાભ ભારતીય નિકાસકારોને પણ મળશે. કરાર અમલમાં આવતા હવે ભારતના લગભગ 99 ટકા ઉત્પાદનોને યુકેના બજારમાં શૂન્ય ડ્યુટી સાથે નિકાસ કરી શકાશે.

અગાઉ કાપડ અને ગાર્મેન્ટ્સ પર 12 ટકા, બેઝ મેટલ્સ પર 10 ટકા અને રસાયણો પર 8 ટકા સુધી કસ્ટમ ડ્યુટી લાગતી હતી. હવે આ ઉત્પાદનોને ડ્યુટી-ફ્રી પ્રવેશ મળતા ભારતીય કપડાં, ફૂટવેર, ફૂડ પ્રોડક્ટ્સ અને અન્ય ઉત્પાદનો યુકેમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે વેચી શકાશે.

બંને દેશોની અર્થવ્યવસ્થાને મળશે પ્રોત્સાહન

બ્રિટિશ સરકારના અંદાજ મુજબ, ભારત સાથેનો આ મુક્ત વેપાર કરાર યુકેના અર્થતંત્રમાં અંદાજે 4.8 બિલિયન પાઉન્ડનો વધારો કરશે. સાથે જ યુકેના નાગરિકોના વાસ્તવિક વેતનમાં લગભગ 2.2 બિલિયન પાઉન્ડનો વધારો થવાની પણ શક્યતા છે. યુકે સરકાર આ કરારને ભારત સાથેનો અત્યાર સુધીનો સૌથી મોટો અને વ્યાપક વેપાર કરાર ગણાવી રહી છે.

ભારત માટે પણ આ FTA નિકાસમાં વધારો, રોજગારીની નવી તકો અને વૈશ્વિક વેપારમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે.