મંતવ્ય ન્યૂઝ,
ખેડબ્રહ્મા તાલુકાના મંજીપુરા ગામના લોકોએ મતદાનના બહિષ્કારની જાહેરાત કરી નેતાઓ માટે પ્રવેશબંધી જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે. પાણીની સમસ્યાને લઈને રણે ચઢેલા ગ્રામજનો સાથે સ્થાનિક ધારાસભ્ય પણ જોડાયા છે. જ્યાં ધારાસભ્યએ ગ્રામજનો સાથે મળી ડેમ તોડી પાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ખેડબ્રહ્મા તાલુકા માટે પાણીના સ્ત્રોત માટે ખેડવા ડેમ પર આધાર રાખવો પડે છે જયારે ખેડવા ડેમમાંથી મટોડા અને આગીયા ગામને પાણી આપવા માટે તાલુકાના મંજીપુરા, ડોડીવાડા, ચિત્રોડી, બહેડીયા, પાંણાઈ ગામના ખેતરો તેમજ રસ્તા પરથી કેનાલ બનાવવાનુ કામ પુરજોશમાં ચાલુ છે.

મંજીપુરા ગામ લોકોના આક્ષેપ મુજબ ખેડવા ડેમનુ પાણી ફકત મટોડા ગામને જ મળશે જેને કારણે તે વચ્ચેના આઠ થી નવ ગામના 15 જેટલા તળાવોને પાણી નહીં મળે. આ કારણોસર આદિવાસી આગેવાનો દ્વારા ચુંટણીનો બહીષ્કાર કરાયો હતો અને ડેમ તોડી પાડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી . જેને પગલે નારાજ ગ્રામજનોને મનાવવા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો દોડી આવ્યા હતા. જયારે બીજી તરફ ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યુ હતુ કે મંજીપુરા સહીતના ગામોને ખેડવા ડેમમાંથી પાણી પહોચાડવા માટે હાલ પુરજોશમાં કામ ચાલુ જ છે અને આદિવાસી સમાજના આગેવાનો સાથે મળીને આ બાબતની તમામ વાત થઈ છે તેમ જણાવ્યુ હતુ…
