Junagadh News: ચોમાસાની મોસમમાં અરબી સમુદ્ર ઉગ્ર બનતા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ બારા ગામમાં દરિયાઈ ધોવાણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરિયાએ ગામનો અંદાજે 40થી 50 ફૂટ કાંઠો ગળી જતા માછીમારોની આજીવિકા પર સીધી અસર પડી છે. બોટ પાર્ક કરવાની જગ્યા ઘટી ગઈ છે અને જો સ્થિતિ યથાવત રહેશે તો ગામના ઘરો પણ સમુદ્રમાં સમાઈ જવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. બીજી તરફ, વર્ષોથી મંજૂર થયેલા બંદર અને જેટીના પ્રોજેક્ટ હજુ સુધી શરૂ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શેરિયાજ બારા (Sheriyaj Bara) ગામને ગળી રહ્યોં દરિયો
શેરિયાજ બારા (Sheriyaj Bara)ગામે દરિયાના પ્રચંડ મોજાં સતત કિનારો ધોઈ રહ્યા છે. અને કિનારે લાંગરેલી અનેક હોડીઓ અડધી પાણીમાં ડૂબે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ચોમાસાની બંધ સિઝન હોવાથી માછીમારો દરિયામાં જઈ શકતા નથી અને પોતાની હોડીઓ કિનારે રાખે છે. પરંતુ સતત વધી રહેલા ધોવાણના કારણે હવે હોડીઓ સુરક્ષિત રીતે રાખવા માટે પૂરતી જગ્યા બચી નથી. વર્ષો વરસ દરિયો ગામ તરફ ધસી રહ્યોં છે. ત્યારે દરિયા પાણી ગામના મકાનો સુધી ક્યારેક આવી જાય છે. ત્યારે આવનારા કેટલાક સમયમાં જો આ ધોવાણ અટકશે નહીં તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે.
સરકારી યોજનાઓ માત્ર કાગળોમાં, જમીની હકિકત અલગ
ગામના સરપંચ અબ્દુલ્લાભાઈ સમાએ જણાવ્યું કે નાના માછીમારોની સમસ્યાઓ પ્રત્યે સરકાર અને સંબંધિત વિભાગો પૂરતું ધ્યાન આપતા નથી. તેમના જણાવ્યા મુજબ અગાઉ બંદર વિકાસ માટે 4.65 કરોડ રૂપિયાની યોજના મંજૂર થઈ હતી, પરંતુ તે રદ થઈ ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2021માં લગભગ 8.36 કરોડ રૂપિયાના ખર્ચે જેટી અને નાનું બંદર બનાવવા માટે વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં આજદિન સુધી કામગીરી શરૂ થઈ નથી. સરપંચે જણાવ્યું કે જો સમયસર બંદર બની ગયું હોત તો આજે માછીમારોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત.
200 વર્ષથી દરિયા પર નિર્ભર ગામ હવે જોખમમાં
શેરિયાજ બારા ગામમાં અંદાજે 7થી 8 હજાર લોકો વસે છે અને મોટાભાગના પરિવારોની રોજીરોટી માછીમારી પર આધારિત છે. ગામમાં અંદાજે 700થી 800 હોડીઓ છે, જે દરિયાકાંઠે લાંગરવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં જ દરિયાએ લગભગ 50 ફૂટ જેટલો કિનારો ધોઈ નાખ્યો છે. કેટલાક વિસ્તારોમાં તો માત્ર બે-ત્રણ દિવસમાં પાંચથી સાત ફૂટ સુધી ધોવાણ (Coastal Erosion) થયું હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે. માછીમારો (Fishermen)નું કહેવું છે કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો માત્ર બોટ જ નહીં પરંતુ ગામના મકાનો પણ દરિયામાં સમાઈ જશે અને અનેક પરિવારો ઘરવિહોણા બનશે.
નવી જેટી અને સુરક્ષિત બંદર બનાવવાની સ્થાનિકોની માંગ
સ્થાનિક રહીશ મુસ્તાકભાઈ અને અશરફ અબ્દુલ્લાએ જણાવ્યું કે હાલ બોટ પાર્ક કરવાની જગ્યા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. અષાઢી બીજ બાદ દરિયાનું પાણી વધુ વધશે ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા બંદર માટે ટેન્ડર અને વર્ક ઓર્ડર જાહેર થયા હોવા છતાં વર્ષો વીતી ગયા છતાં કોઈ કામગીરી શરૂ થઈ નથી. તેઓએ તાત્કાલિક સર્વે કરીને સુરક્ષિત બંદર અને જેટીનું નિર્માણ શરૂ કરવાની માંગ કરી છે.
મત્સ્યોદ્યોગ વિભાગનો દાવો – નવી જેટી માટે 29 કરોડની દરખાસ્ત મોકલાઈ
આ સમગ્ર મામલે માંગરોળ (Mangrol)ના મત્સ્યોદ્યોગ અધિક્ષક મયુરી ઠાકરે જણાવ્યું કે શેરિયાજ બારામાં અંદાજે 600 હોડીઓ માછીમારી સાથે જોડાયેલી છે. માછીમારોની માંગને ધ્યાનમાં રાખીને અંદાજે 29 કરોડ રૂપિયાના ખર્ચે નવી જેટી બનાવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. તેમણે જણાવ્યું કે હાલ નવા સ્થળની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સ્થળ નક્કી થયા બાદ જરૂરી મંજૂરી મેળવીને બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે. વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2023થી બારા બંદર માટે લગભગ 8 કરોડ રૂપિયાના ડ્રેજિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવાની યોજના છે, જેથી હોડીઓની અવરજવર વધુ સુરક્ષિત બની શકે.
ચોમાસાની સિઝન દરમિયાન દરિયામાં ભારે કરંટ અને સતત વધી રહેલા ધોવાણને ધ્યાનમાં રાખીને તંત્રે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. વિભાગ દ્વારા સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને માછીમારોને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે માત્ર સૂચનાઓથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. જો સરકાર તાત્કાલિક કાયમી બંદર, જેટી અને દરિયાઈ ધોવાણ અટકાવવા માટેના સંરક્ષણના કામો શરૂ નહીં કરે તો આગામી ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. હાલમાં શેરિયાજ બારા ગામના લોકોની સૌથી મોટી ચિંતા પોતાની આજીવિકા બચાવવાની સાથે પોતાના ઘરોને દરિયાના કોપથી સુરક્ષિત રાખવાની છે.
આ પણ વાંચો:ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર, 40 વર્ષ બાદ શહેર તરફ ધસેલા સમુદ્રથી 14 ગામમાં જમીન ધોવાણનો ખતરો
આ પણ વાંચો:રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ
આ પણ વાંચો:તિલકવાડા નર્મદા નદી કિનારે રહેતા લોકોમાં ચિંતાનો માહોલ, જાણો શું છે કારણ
